કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ હેઠળ ગેમ ઝોન બનાવવાના મુદ્દે રાજકીય ઘમાસાણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોક ઓવરબ્રિજ નીચે ગેમ ઝોનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જાહેર સલામતીના મુદ્દે ગેમ ઝોન મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યું છે. ગેમ ઝોનના મુદ્દે કોંગ્રેસ દ્વારા બુધવારે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસની સામે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કોંગ્રેસને ગેમ ઝોન નહીં વિકાસ કામો સામે વાંધો છે તેવી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખેલા આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, વોર્ડ નં.10માં કાલાવડ રોડ પર કેકેવી સર્કલ નજીક આત્મીય કોલેજ પાસે પરિમલ સ્કૂલ સામે ગેમ ઝોન ખડકાઇ રહ્યો છે. જેમાં કોઇપણ જાતના એનઓસી વગર માચડો ખડકી દેવાયો છે. આ પ્રોજેક્ટ રદ કરવા અમારી માગણી છે. જો પ્રોજેક્ટનો અભરખો જાગ્યો હોય તો મહાનગરપાલિકાના અન્ય સ્થળોએ ગેમ ઝોન બનાવી શકાય છે. હાલમાં જે સ્થળે ગેમ ઝોન બનાવવામાં આવે છે તે સ્થળે રોજિંદી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા છે. એક ગાળામાં બોક્સ ક્રિકેટ, બીજા ગાળામાં સ્કેટિંગ રિંગ અને સ્નૂકર, કેરમ જેવી ઇન્ડોર રમતો માટે માચડો જે રીતે બને છે તે મિનિ ટીઆરપી ઝોન જેવું ગણાશે. અને જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલ ઉઠાવ્યા હતા. શાસક પક્ષ દ્વારા આ પ્રકારના પ્રોજેક્ટ કરી પોતાના મળતિયાઓને ખટાવી દેવાનો પ્રયાસ છે. મહાપાલિકાએ અગાઉ પણ પણ રાજકોટની જનતાના અભિપ્રાય વગર જે પ્રોજેક્ટ કર્યા છે તે રદ કરવાપડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *