કાલાવડ રોડ પરથી કોન્ટ્રાક્ટરનું કારમાંઅપહરણ કરી વ્યાજખોરે હુમલો કર્યો

શહેરમાં યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્કમાં સાસુના ઘેર રહેતા અને મૂળ વેરાવળના અને બાંધકામ કોન્ટ્રાક્ટર યુવકનું કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે બોલાવી મારકૂટ કરી વ્યાજની ઉઘરાણી બાબતે કારમાં અપહરણ કરી ધાક ધમકી આપી હતી. બાદમાં ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોય દેકારો કરી યુવક કારમાંથી ઉતરી નાસી જઇ પોલીસમાં ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે વેરાવળના ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

મૂળ વેરાવળના અને હાલ ગંગોત્રી પાર્કમાં સાસુના ઘેર છેલ્લા 20 દિવસથી રહેતા હેમુલભાઇ મનહરલાલ ચોકસી (ઉ.43)એ ગીર સોમનાથના વેરાવળમાં રહેતા નિલેશ ચલા, રાજુ મોચી અને અમિત રાઠોડ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વેરાવળમાં બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતા હોય સને 2019માં ધંધાના કામ માટે પૈસાની જરૂર હોય વેરાવળના નિલેશ ચલા પાસેથી કટકે-કટકે 60 લાખ વ્યાજે લીધા હતા. ત્યાર બાદ તેને વ્યાજ સહિત પૈસા પરત ચૂકવી દીધા હોવા છતાં નિલેશ અવારનવાર વધુ પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપતો હોય જેથી છેલ્લા 20 દિવસથી રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્કમાં તેના સાસુના ઘેર પત્ની અને પરિવાર સાથે આવી રહેતા હતા.

દરમિયાન હેમુલભાઇ તેના સાસુના ઘેર હતા ત્યારે નિલેશનો ફોન આવ્યો હતો અને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. બાદમાં કારમાં અપહરણ કરી લઇ જતા હતા ત્યારે આકાશવાણી ચોકથી ઇન્દિરા સર્કલ પાસેનું ટ્રાફિક સિગ્નલ બંધ હોય જેથી કારમાંથી ઉતરી જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *