કારખાનેદાર યુવક સાથે અકસ્માતનું ‘નાટક’ કરી ધમકાવી છરી બતાવી રૂ. 2.62 લાખ લૂંટી લીધા

ઢેબર રોડ પર સવારે 11 વાગ્યે કારખાનેદાર યુવક સાથે અકસ્માતનું નાટક કરી લૂંટારુએ ધમકાવી છરી બતાવી કારખાનેદાર પાસેથી રૂ.2.62 લાખ રોકડા લૂંટી લીધા હતા. મવડીના 80 ફૂટ રોડ પર ઉદ્ગમ સ્કૂલની સામે ગુરુદેવ પાર્કમાં રહેતા અને માલધારી ફાટક પાસે વરૂ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઘરઘંટી બનાવવાનું કારખાનું ધરાવતાં હરેશભાઇ ધીરજલાલ રાદડિયા (ઉ.વ.40) લૂંટારુનો ભોગ બન્યા હતા. હરેશભાઇ રાદડિયા મંગળવારે સવારે 8.30 વાગ્યે પોતાના ઘરેથી ખિસ્સામાં રૂ.2 લાખ રોકડા મૂકી બાઇક પર નીકળ્યા હતા અને કારખાને પહોંચ્યા હતા. ત્યારબાદ સાડા દશ વાગ્યાના અરસામાં હરેશભાઇ ઢેબર રોડ પર પ્લેનરી આર્કેડમાં આવેલી આંગડિયા પેઢીએ ગયા હતા અને ત્યાંથી રૂ.50 હજારનું આંગડિયું લીધું હતું.

કુલ રૂ.2.50 લાખ અટિકા ફાટક પાસે આવેલા શીતલ ઇલેક્ટ્રિકવાળાને આપવાના હોય હરેશભાઇ ઢેબર રોડ પરથી અટિકા ફાટક તરફ જવા નીકળ્યા હતા અને નાગરિક બેંક ચોકથી ઢેબર રોડ પર મધુરમ હોસ્પિટલ તરફ પહોંચ્યા હતા ત્યારે પાછળથી સ્કૂટરમાં એક શખ્સ ધસી આવ્યો હતો અને તેણે હરેશભાઇને આંતરી ઊભા રાખીને કહ્યું હતું કે, તમે અકસ્માત કરી સ્કૂટરમાં નુકસાન કર્યું છે. રૂ.2 હજાર ખર્ચના આપવા પડશે. કારખાનેદાર હરેશભાઇએ પોતે કોઇ અકસ્માત કર્યો નથી તેમ કહ્યું હતું, છતાં ખર્ચના રૂ.2 હજાર આપવા તૈયાર થઇ ગયા હતા.

જોકે લૂંટારુએ ત્યાં પૈસા લીધા નહોતા. મારા શેઠને આપવાના છે આગળ ચાલ તેમ કહી હરેશભાઇને પોતાના સ્કૂટરમાં પાછળ બેસાડી દીધા હતા અને સ્કૂટર ભક્તિનગર સોસાયટી પાસે આવેલા સત્યાર્થ પ્રકાશ કોમ્પ્લેક્સ પાસે લઇ ગયો હતો. કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સીડી પાસે હરેશભાઇને લઇ જઇ લૂંટારુએ છરી કાઢી અને હરેશભાઇના ખિસ્સા ફંફોળ્યા હતા જેમાંથી રોકડા રૂ.2.50 લાખ ઉપરાંત પર્સમાં રૂ.12 હજાર હતા તે મળી કુલ રૂ.2.62 લાખ કાઢી લીધા હતા અને છરી મારતા વાર નહીં લાગે તેમ કહી રૂ.2.62 લાખ લૂંટી લૂંટારુ નાસી ગયો હતો. લૂંટ ચલાવનાર શખ્સે લાલ શર્ટ, બ્લૂ કલરનું જીન્સ અને ટોપી પહેરી હતી તેમજ મોઢે રૂમાલથી બુકાની બાંધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *