સોખડામાં રહેતા કારખાનેદારને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરી વ્યાજખોરોએ વ્યાજ અને નાણાંની પઠાણી ઉઘરાણી કરી કારખાનેદારનું કારખાનું પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીથી કંટાળી કારખાનેદારે ત્રણ મહિના પહેલાં ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરી હતી. પોલીસે અંતે ગુનો નોંધી વ્યાજખોરોની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી. સોખડામાં રહેતા અને કારખાનું ધરાવતાં રમેશભાઇ ભીમજીભાઇ ડાભી (ઉ.વ.42)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોખડાના વિજય વશરામ રાઠોડ, સંજય રમેશ રાઠોડ, મહેશ કેશુ ગોરિયા, રમેશ વશરામ રાઠોડ, રાજકોટના ઉદયનગરના પ્રતિપાલસિંહ ગિરીરાજસિંહ જાડેજા તથા છત્રપાલસિંહ જાડેજાના નામ આપ્યા હતા. રમેશભાઇ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોખડામાં પોતે અગાઉ એક કારખાનું ચલાવતા હતા અને બીજું કારખાનું બનાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં વર્ષ 2019માં વિજય, સંજય અને મહેશ પાસેથી રૂ.1.40 કરોડ બે ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં વિજય અને સંજયને રૂ.54 લાખ તથા મહેશને રૂ.60 લાખ ચૂકવી દીધા હતા.
બાદમાં કોરોના આવતા ધંધો મંદો પડતાં વ્યાજ નહીં ચૂકવી શકતા ઉપરોક્ત વિજય, સંજય, મહેશ અને રમેશ રૂ.1.60 કરોડની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા અને ધાકધમકી આપતા હતા. વ્યાજખોરોને નાણાં ચૂકવવા તથા ધંધો ચાલતો રાખવા માટે રમેશભાઇએ છત્રપાલસિંહ મારફત પ્રતિપાલસિંહ જાડેજા પાસેથી રૂ.63 લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા.
તેમને પણ રૂ.10.80 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા બાદમાં વ્યાજ નહીં ચૂકવી શકતા આરોપીઓની નજર રમેશભાઇના કારખાના પર પડી હતી. બીજીબાજુ રમેશભાઇએ બેંકમાંથી પણ લોન લીધી હોય અને તેમાં કારખાનાની જમીન ગીરો મૂકી હોય પ્રતિપાલસિંહે બેંકમાં મુકાયેલી ફાઇલ ક્લિયર કરાવી આપવાનું કહી બેંકમાં નાણાં ચૂકવી કારખાનાની ફાઇલ પોતાના હસ્તગત કરી લીધી હતી અને રમેશભાઇને સાચી હકીકત કહ્યા વગર કારખાનાના સાટાખત કરાવી લીધા હતા. બાદમાં કારખાનાના દસ્તાવેજ કરી આપવાનું કહી રમેશભાઇ પાસે નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરતાં ગત તા.22 જુલાઇની રાત્રીના રમેશભાઇએ બકાલામાં છાંટવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અંતે આ મામલે રમેશભાઇની ફરિયાદ પરથી ઉપરોક્ત છ શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.