મૂળ બિહારના કલ્યાણપુર જિલ્લાના સીડી ગામના વતની અને રાજકોટના કુવાડવા રોડ ઉપર ત્રિમંદિર પાસે આવેલા ગ્રેનીઝ સ્પાઇસીસ કારખાનામાં કામ કરતા 19 વર્ષીય નંદનકુમાર પુનિતકુમાર સડા આજે સવારે કારખાનામાં કામ કરતા હતા ત્યારે મશીનમાં હાથ આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આ દરમિયાન ફરજ પરના તબીબે યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતુ.
અન્ય બનાવમાં રાજકોટના કોઠારીયા રોડ ઉપર ગોવિંદ નગર મેઇન રોડ ઉપર ભોજલરામ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા 29 વર્ષીય અજય રામજી ડાભીએ રાજ ઉર્ફે રાજેશ નાથાભાઈ ડાંગર તથા તેની સાથેના એક અજાણ્યા શખ્સ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તે પોતાની કાર GJ 03 CF 6328 મા બેઠા હતા દરમ્યાન રાજ પાઈપ લઈને આવ્યો હતો. જેથી પૂછ્યું હતું કે, તુ મારી પાછળ પાછળ શા માટે આવે છે ? જોકે જવાબ આપવાને બદલે રાજ ડાંગર ગાળો આપવા લાગ્યો હતો. જેથી ફરિયાદી ગાડીમાંથી નીચે ઉતરતા અને શેરીમાં દેકારો થતા માતા ઈલાબેન આવી ગયા હતા. આ દરમિયાન અન્ય શખ્સે અજયને પાછળથી પકડી રાખ્યો હતો અને રાજે અજય ને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જેથી તેની હોસ્પિટલે સારવાર માટે ખસેડવો પડ્યો હતો. જો કે આ ઘટના બાદ પોલીસે છરીથી હુમલો કરનાર સહિત 2 શખ્સોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.