આટકોટ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ સરપંચ પદના ઉમેદવાર કાનાભાઈ ખોખરીયા વિજેતા બનતાં આ ખુશીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ખુશીમાં ઝુમતા તેમના ભત્રીજાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને એ હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો હતો. ઘટનાના પગલે પરિવાર સ્તબ્ધ બની ગયો હતો અને પળવારમાં જ ખુશીનું સ્થાન માતમે લઇ લીધું હતું.
આટકોટ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણીનું પરિણામ આવવાનું હોઇ બહોળી સંખ્યામા સરપંચના સમર્થકો મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આટકોટનાં સરપંચનાં ઉમેદવાર કાનાભાઈ ખોખરીયા વિજેતા જાહેર થયા ત્યારે તેમનો 30 વર્ષનો ભત્રીજો મનોજ ભરતભાઇ ખોખરીયા ખુશીથી ઝુમી ઉઠ્યો હતો, અને કચેરીએથી જ વિજય સરઘસ નિકળ્યું હતું.
બધા નાચતા, ગાતા ગામમાં પહોંચ્યા હતા અને સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ મોટા રામજી મંદિરે હનુમાન ચાલીસા પાઠ કરી વિજય સરઘસ ગામના મોટા ચોકે પહોંચ્યું ત્યાં મનોજને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.