કાકાએ ભાઈ-ભત્રીજાને વારસાઈ ખેતીની જમીન આપવાના બદલે પત્ની-દીકરાના નામે કરી નાખી

રાજકોટના ત્રંબા નજીક ઢકામાં પટેલ બંધુઓ વચ્ચે કરોડો રૂપિયાની જમીનનો વિવાદ સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કાકાએ ભાઈ-ભત્રીજાને વારસાઈ ખેતીની જમીન આપવાના બદલે પત્ની અને દીકરાના નામે કરી ઠગાઈ આચરતા આજી ડેમ પોલીસ મથકમાં પી.જી.વી.સી.એલ. કંપનીના કોન્ટ્રાક્ટર ભત્રીજાએ સગા કાકા, કાકી અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં રાજકોટના સરધાર ગામે ઓમ હોસ્પિટલની બાજુમાં ભમ્મરિયા વાડી વિસ્તારમાં રહેતા અને પી.જી.વી.સી.એલ.માં કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરતા લલિતભાઈ મનસુખભાઈ ઢોલરિયા (ઉં.વ.36) દ્વારા આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા કાકા કિશોરભાઈ નરશીભાઈ ઢોલરિયા, કાકી કંચનબેન તથા પિતરાઈ ભાઈ દર્શનના નામ આપ્યા હતા.

યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના દાદા નરશીભાઈ પરસોત્તમભાઈ ઢોલરિયા(રહે. સરધાર ગામ) ના નામે ત્રંબા નજીક ગઢકા ગામની રે.સ.નં.266 કાદીવાળું તરીકે ઓળખાતી જમીન આવેલી છે. જે જમીન તેના કાકા કિશોરભાઈના નામે કરવાની હતી, ગામમાં જ આવેલી અન્ય જમીન રે.સ.નં.268 પૈકીની જમીન જે તેના કાકા કિશોરભાઈના નામની હોય તે જમીનનો ભાયુભાગ પાડવાનું તા.28/10/2022માં પંચરોજ કરીને કાકાના ઘરે જ નક્કી કરાયું હતું. આ રે.સ.નં.268 પૈકીની જમીનના 66 ટકા ભાગની જમીન તેના પિતા મનસુખભાઈના નામે કરવાની હોય અને કાદીવાળું તથા આ જમીનમાંથી 33 ટકા ભાગ કાકાને આપવાનું નક્કી કરાયું હતું. કાકાએ યુવકના દાદાના નામનું કાદીવાળું નામે ઓળખાતી જમીન તથા વારસાઈ જમીન નામે કરી લઇ પુત્ર અને પત્નીના નામે ચડાવી દઈ પિતા તથા ફઈનો હક પચાવી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નાનાભાઈએ મોટાભાઈને જમીનમાં ભાગ આપવાની ના કહી દીધી એક જમીન પત્ની અને પુત્રના નામે કરાવી લેતા જમીનમાં નક્કી કરેલો 66 ટકા હિસ્સો માગવા મોટા ભાઈનો પરિવાર આવ્યો ત્યારે નાનાભાઈએ બહાનું બતાવીને કહ્યું, દાદાના નામનું કાદીવાળું મારા નામે થઇ જાય પછી તમારો હિસ્સો આપી દઈશ પણ અંતે બંને જમીન પચાવી લઇ હિસ્સો આપવાની ના કહી ઠગાઈ આચરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *