કાંકરિયા કાર્નિવલમાં વિલન બન્યો વરસાદ!

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢનાં એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. આજથી ત્રણ દિવસ, એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરી હતી, ત્યારે અમદાવાદમાં મોડીસાંજે મણિનગર, ઇસનપુર સહિત પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. અચાનક વરસાદ વરસતાં કાંકરિયા કાર્નિવલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આવતીકાલે(27 ડિસેમ્બર) છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફનાં કરાં વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

કાંકરિયા કાર્નિવલમાં રંગમાં ભંગ પડ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારો- ઇસનપુર, મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાંને કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ થોડીવાર માટે બંધ કરી દેવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *