કસ્ટમે હિરાસર એરપોર્ટની સમીક્ષા કરી, હવે ઈમિગ્રેશનની મંજૂરીની રાહ

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે પણ AAI ઝડપથી કાર્યવાહી કરી રહી છે. કસ્ટમ્સ વિભાગ, જામનગરની ટીમે ગુરુવારે એરપોર્ટની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. મળતી માહિતી મુજબ કસ્ટમની ટીમ સાથે એરપોર્ટના અધિકારીઓની બેઠક સફળ રહી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ અને જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી હતી. હવે ફક્ત ઈમિગ્રેશનની મંજૂરીની રાહ જોવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

હિરાસર એરપોર્ટ ઓથોરિટી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. જેની તૈયારીઓના ભાગરૂપે, કસ્ટમ્સ વિભાગની જામનગરની એક ટીમે ગુરુવારે એરપોર્ટ પર ઓપરેશનલ જરૂરિયાતોની સમીક્ષા કરી હતી. કસ્ટમ વિભાગ દ્વારા હજુ ક્યાં કાર્ગોની વ્યવસ્થા છે, ક્યાં સુધારાની જરૂર છે, ખૂટતી બાબતો શું છે તે અંગેનો રિપોર્ટ આપશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં ઈમિગ્રેશનની ટીમ એરપોર્ટ ખાતે સરવેની કામગીરી પૂર્ણ કરી ગઈ છે, પરંતુ હજુ સુધી તેની મંજૂરી જ મળી નથી જેના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરી શકે તેવી સંભાવના નથી.

રાજકોટ ચેમ્બરની રજૂઆત થકી ઈન્ડિગો એરલાઈન્સ રાજકોટ-દુબઈ માટેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા તૈયાર છે, પરંતુ કસ્ટમ ક્લિયરન્સનું સેટઅપ ન હોવાને કારણે આ ફ્લાઈટ ઓપરેટ થઈ શકે તેમ નથી. અગાઉ રાજકોટથી ચીન માટે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે સત્તાવાર પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જો આ પ્રપોઝલને મંજૂરી મળશે તો રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સપ્ટેમ્બર-2023થી શરૂ થયાના બે વર્ષ બાદ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાનનો પ્રારંભ કરશે, જે રાજકોટના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન બનશે, પરંતુ જ્યાં સુધી ઈમિગ્રેશનની મંજૂરી નહીં મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટશક્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *