સૌરાષ્ટ્ર – કચ્છ 1,249 કિલોમીટર લાંબો દરિયાકાંઠા વિસ્તાર ધરાવે છે. જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડા દરમ્યાન વિજ પોલ ધરાશાયી થઈ જાય છે. જેને કારણે ખેતરો અને વાડી વિસ્તારમાં વીજળી ગૂલ થઈ જાય છે અને અંધારપટ્ટથી લોકોને તો મુશ્કેલી પડે જ છે પરંતુ પીજીવીસીએલને કરોડોનું નુકસાન જાય છે તેવામાં હવે PGVCL દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા વિજ પોલને કવર્ડ કંડકટરથી મજબૂત બનાવવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ ઘડ્યું છે. ખેતીવાડીના અંદાજે 75,000 માંથી પ્રથમ તબક્કામાં 8,725 વીજ ગ્રાહકોને લાભ આપવાનું આયોજન છે.
જેમાં રૂ. 95.35 કરોડનાં ખર્ચે 1,082 કિલોમીટરમાં આવતા 43 ફીડરને કવર્ડ કંડકટરથી મજબૂત બનાવવામાં આવશે જેમાં 50 ને બદલે 30 ફૂટ ના અંતરે વીજ પોલ નાખવામાં આવશે અને તે ઇન્સ્યુલિનથી કવર્ડ હશે જે મજબૂત પોલ ભારે વાવાઝોડા કે અતિ ભારે વરસાદ સામે અડીખમ રહેશે અને વીજ વિક્ષેપની સમસ્યાઓ પણ દૂર થઈ જશે. દરમિયાન આજે પીજીવીસીએલની બજેટ બેઠક મળવાની છે જેમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ અને કવર્ડ કંડકટર એમ બે મુદ્દા ઉપર ચર્ચાઓ થશે.
રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ માં દરિયાકાંઠાનો સૌથી લાંબો વિસ્તાર આવે છે અને તેમાં દર વખતે વાવાઝોડાનો ડર રહેતો હોય છે. આ ઉપરાંત ચોમાસામાં ભારે વરસાદ પણ પડે છે. જેને લીધે વીજળી ગૂલ થવાની સમસ્યાઓ લોકોને સતાવી રહી છે જેથી આ માટે પીજીવીસીએલ દ્વારા PM સૂર્યોદય યોજના અંતર્ગત રૂપિયા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યત્વે ખેતી અને જંગલ વિસ્તારમાંથી જે ફીડર પસાર થાય છે તેને કવર્ડ કંડક્ટરમાં કન્વર્ટ કરવાનુ આયોજન છે.