કમાટીબાગમાં જોય ટ્રેન અને રાઈડ્સ બંધ

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્રએ રાતોરાત શહેરના 16 ગેમ ઝોન સદંતર બંધ કરાવી દીધા છે. સાથે જ કમાટીબાગમાં આવેલી જોય ટ્રેન અને રાઇડ્સ સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધી છે. જેથી આવતા પ્રવાસીઓએ નિરાશા તો સંચાલકે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે, હરણી બોટ કાંડની ઘટના બાદ શહેરમાં તમામ જગ્યાએ સેફટીની ચકાસણી કર્યા બાદ વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી, પરંતુ સવાલ એ થાય છે કે, શું વડોદરા કોર્પોરેશનનું તંત્ર પોતાના જ વહીવટ પર ભરોસો નથી?, બે મહિનામાં આ જ પ્રકારે ચકાસણી કરવી તે કેટલું યોગ્ય છે?

આ અંગે જોય ટ્રેન મેનેજર હિમાંશુ સોનીએ જાણવ્યું હતું કે, કોર્પોરેશનની સૂચનાથી જોય ટ્રેન બંધ કરી છે અને કોર્પોરેશની આગામી સુચના બાદ જોય ટ્રેન શરૂ કરીશું. ગેમ ઝોન જેવી ઘટના અમારે ત્યાં બનવી અશક્ય છે. અમારી પાસે તમામ આધારભૂત પુરાવા અને ડોક્યુમેન્ટ હોવા છતાં સલામતીના ભાગરૂપે આદેશ મુજબ બંધ કરવા હુકમ કરાયો છે, ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓ અને અમને આર્થિક નુકસાની રહેવાનો ફરી વારો આવ્યો છે.

આ અંગે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોર્પોરેશને 16 ગેમિંગ ઝોન બંધ કરાવ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી છે. તમામની ચકાસણી પૂર્ણ થયા બાદ જ ગેમ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપવામાં આવશે. હાલમાં ફાયર સેફ્ટી, સ્ટ્રક્ચરલ, ઇલેક્ટ્રિકલ ચકાસણી કરવામાં આવશે. તમામ ગેમ ઝોન પાસે ફાયર NOC મળી આવી છે, એકાદ ગેમ ઝોન જે તાજેતરમાં શરૂ થયા તેમની પાસે ફાયર NOC ન હતી. કમાટીબાગમાં સુરક્ષા કારણોસર જોય ટ્રેન અને રાઈડ્સ બંધ કરાવી છે. જે ફરી ચકાસણી બાદ એક બે દિવસ બાદ શરૂ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *