ચોમાસાની સિઝન જામવાની સાથોસાથ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પાણીજન્ય રોગચાળામાં આવતા કમળાના 3 અને ટાઇફોઇડના 2 મળી કુલ 5 કેસ અને મચ્છરજન્ય રોગચાળાના ડેન્ગ્યુના 1 અને મેલેરિયાના 2 મળી કુલ 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 642, સામાન્ય તાવના 958 અને ઝાડા-ઊલટીના 229 કેસ મળી કુલ 1829 કેસ નોંધાયા છે આમ એક સપ્તાહમાં અલગ-અલગ રોગચાળાના 1837 કેસ નોંધાયા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23થી 29 દરમિયાનમાં પાણીજન્ય રોગ અટકાયતી પગલાંના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં કુલ 418 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે તા.23થી 29 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 37,014 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 341 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે. તેમજ મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 68 અને કોમર્સિયલ 267 આસામીને નોટિસ અપાઈ હતી અને 28 આસામી પાસેથી મચ્છર ઉત્પત્તિ સબબ રૂ.14,800નો દંડ વસુલાયો હતો.