શહેરમાં જામનગર રોડ પર વર્ધમાન સોસાયટી પાસેના શ્રીરામ બંગલોઝમાં રહેતા પ્રૌઢાના ઘેર ધસી આવેલા પુત્રએ હું મારા પિતા સાથે ઝઘડો કરી આવ્યો છું. મારા વિરુદ્ધ ફરિયાદ ન કરે તેને કહી દેજો. જેથી તેને માતાએ સમજાવતા ઉશ્કેરાઇ જઇ છરી બતાવી કારમાં અપહરણ કરી મારકૂટ કરી મોબાઇલ ફોનમાં તોડફોડ કરી જામનગર રોડ પર વચલી ઘોડી ગામની સીમમાં ઉતારી નાસી જતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્વવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શ્રીરામ બંગલોઝમાં રહેતા અને મૂળ ખેરવાના ધૃપતબા મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.54) તેના ઘેર હતા તે દરમિયાન તેનો પુત્ર સંજયસિંહ કાર સાથે ધસી આવ્યો હતો અને મારા પિતાની ગુંદાવાડી પાસેની ઓફિસે ઝઘડો કરીને આવ્યો છું. મારા પિતાને કહી દેજો કે, મારી વિરુદ્ધ ફરિયાદ ન કરે જેથી તેની માતા ધૃપતબાએ તેને પિતા સાથે ઝઘડો ન કરવા માટે સમજાવતા પુત્ર ઉશ્કેરાયો હતો અને મને રોજ ખર્ચાના પૈસા નહીં આપો તો હું તમારા બધાનું જીવવાનું હરામ કરી નાખીશ તેમજ તેના બન્ને સંતાન તેની માતા સાથે રહેતા હોય તેને કેમ મળવા દેતા નથી કહી ગાળો ભાંડી હતી. મારા સંતાનોને મને મળવા આપો એમ કહી જીદ કરતા તેની માતાએ બાળકો સ્કૂલે ગયા છે જેથી ચાલ તેને મળી લે અને પછી કોઇ દિવસ ઘેર આવતો નહીં કહી માતાને કારમાં બેસાડ્યા હતા અને સ્કૂલે જવા રવાના થયા હતા.
બાદમાં ધૃપતબાએ ફોનમાં તેના પતિ મહેન્દ્રસિંહ સાથે વાત કરી હતી જેથી પુત્રએ ઉશ્કેરાઇને કાર સ્કૂલ એ જવાના બદલે જામનગર રોડ પર કાર હંકારી હવે મારા સંતાનોને મને મળવા નહીં દો તો તમને જાનથી મારી નાખીશ કહેતા તેને ફોન પર પતિને વાત કરવા જતા તેનો ફોન આંચકી રસ્તામાં ફેંકી દીધો હતો અને ફડાકા મારતાં તેને દેકારો કરતાં વચલી ઘોડી ગામની સીમમાં ઉતારી નાસી ગયાનું જણાવતા જમાદાર જીતુભાઇ બાળા સહિતના સ્ટાફે માતાની ફરિયાદના આધારે પુત્ર સામે અપહરણનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીવાડીમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને બે દેશી બનાવટની પિસ્ટલ અને 26 જીવતા કાર્ટિસ સાથે પકડી લીધો હતો. જે આરોપી સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનો કાકાનો પુત્ર થતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે સંજયસિંહ પર અગાઉ પોલીસ કેસ અંગે તપાસ કરી વધુ કાર્યવાહી કરી છે.