કનેસરા ગામના ખેડૂત દેહાભાઇ મનજીભાઇ સાસકિયાએ કોઠી ગામે પોતાના ખેતરમાં અફીણના ડોડવાનું વાવેતર કરવાના ગુનામાં રાજકોટ સેશન્સ અદાલતે તકસીરવાન ઠરાવવી 10 વર્ષની સજા અને એક લાખનો દંડ ફરમાવેલ છે.
આ કેસની હકીકત મુજબ તા.15-02-2019ના રોજ એસ.ઓ.જી.એ જસદણ વિસ્તારના કનેસરા ગામના ખેડૂત દેહાભાઇના કોઠી ગામે આવેલા ખેતરમાં દરોડો પાડી અફીણના ડોડવાનો જથ્થાે કબજે કરી આરોપી દેહાભાઇની ધરપકડ કરી હતી. આ કેસમાં પુરાવો શરૂ થતા આરોપી દેહાભાઇ વતી બચાવ લેવામાં આવેલ કે સમગ્ર પોલીસ પેપર્સમાં આરોપીના ખેતરનું કોઇ પણ પ્રકારનું વર્ણન કે ખેડૂત ખાતા અંગેની વિગતો જણાવવામાં આવેલ નથી. જે વજન કરવામાં આવેલ છે. તે સમગ્ર છોડવાનું વજન છે. આ વજનમાંથી કેટલો ભાગ અફીણ કહી શકાય તે જણાવવામાં આવેલ નથી. તેથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં. આ ઉપરાંત કેટલા અધિકારીઓ રેડમાં જતી વખતે પહેલાથી જ સાથે રાખવામાં આવેલ તે અંગે પણ વિસંગતતા છે. જ્યારે સરકારી વકીલ એસ.કે. વોરાએ અેવી રજૂઆત કરી હતી કે, કાયદાની જોગવાઇ મુજબ જે જગ્યાએ વાવેતર કરવામાં આવેલ હતું તે જગ્યાએ આરોપીની હાજરી સાબિત થાય છે. ઉપરાંત હાલના કિસ્સામાં વાવેતરવાળા ખેતર ઉપર આરોપી હાજર ન હતા તેવી તકરાર લેવામાં આવેલ નથી. પ્રોસિક્યુશન દ્વારા રેવન્યુ રેકર્ડના જે પેપર્સ રજૂ કરવામાં આવેલ છે તેમાં આરોપીના કુટુંબીઓના જ નામ છે. તેથી આ ખેતર આરોપીના જ કબજા ભોગવટા અને માલિકીના હોવાનું સાબિત થાય છે. આ ઉપરાંત પંચનામાની કાર્યવાહી બાદ જે મુદ્દામાલ જપ્ત મેમોમાં આરોપીની સહી છે. આ સહી તેમની હોવા અંગે આરોપીએ કોઇ તકરાર ઉઠાવેલ નથી તેથી આ માદક પદાર્થ આરોપી પાસેથી જ જપ્ત થયેલ હોવાનું સાબિત થાય છે.