કડકડતી ઠંડીમાં મચ્છરો વધ્યા: વર્ષ 2026માં પ્રથમવાર ડેન્ગ્યુના બે કેસ

રાજકોટમાં કડકડતી ઠંડી શરૂ થઈ હોવા છતાં મચ્છરોનો ત્રાસ યથાવત્ રહેતા ચાલુ વર્ષ 2026માં પ્રથમ વખત ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છર ઉત્પત્તિ સબબ આરોગ્ય વિભાગ દ્વારા 162 આસામીને નોટિસ આપવામાં આવી છે.

મેલેરિયા શાખાના જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ તા.19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન ડેન્ગ્યુના બે દર્દી નોંધાયા છે. જોકે જાન્યુઆરી માસ દરમિયાન હજુ સુધી મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ કેસ નોંધાયા નથી. ગત સપ્તાહની સરખામણીએ રોગચાળાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેમાં શરદી-ઉધરસના 1049, સામાન્ય તાવના 783 તથા ઝાડા-ઊલટીના 198 દર્દી નોંધાયા છે. પાણીજન્ય રોગ અટકાવવા માટે 1256 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

ડેન્ગ્યુ ફેલાવતો એડીસ જાતિના મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને એક જ સમયે અનેક લોકોને કરડતું હોવાથી વધુ જનસમુદાય ધરાવતા વિસ્તારોમાં રોગ ફેલાવાનું જોખમ વધારે રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોવાથી તેની પુનઃ ઉત્પત્તિ ઝડપથી થાય છે અને ટૂંકા સમયમાં રોગનો ફેલાવો વધી શકે છે. સપ્તાહ દરમિયાન 17,555 ઘરમાં પોરાનાશક છંટકાવ કરાયો છે, રહેણાક મિલકતના 128 તથા કોમર્સિયલ મિલકતના 34 આસામીને મચ્છર ઉત્પત્તિ બદલ નોટિસ આપવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *