રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથક વિસ્તારમાં થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. કટારીયા ચોકડી પાસેથી બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેની ચોક્કસ બાતમીનાં આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી બાઇકની ઉઠાંતરી કરનાર રમેશભાઈ ઉર્ફે માયો બાવળીયાને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી પાસેથી રૂ. 20,000ની કિંમતનું ચોરાઉ બાઈક કબ્જે કરી આરોપીનો કબ્જો ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ વીંછીયા તેમજ બોટાદ પોલીસમાં જુદા-જુદા 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.
અન્ય બનાવમા રાજકોટનાં રામનાથપરા વિસ્તારમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ એક યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રામનાથ પરાનાં ભવાનીનગર-4માં રહેતો 35 વર્ષીય પ્રવીણભાઈ બાંભણીયા નામનો આ યુવક બપોરે પોતાના ઘરે હતો. ત્યારે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે તરત જ સ્થળ ઉપર પહોંચી તપાસ કર્યા બાદ યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગેની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી. અને લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી અપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.