કચ્છ યુનિવર્સિટીના ભરતી કૌભાંડ દરમિયાન જ ચેટ સાથેની એક નનામી અરજી ઉચ્ચ શિક્ષણ વિભાગને મળી હતી. જેમાં જી. ચૌહાણ નામની વ્યક્તિએ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી માટે 12 લાખ સુધીનો વહીવટ કરવો પડશે તેવી ચર્ચા કરી હતી.
કચ્છ યુનિવર્સિટીમાં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ગૌરવ ચૌહાણને આ ચેટ મોકલીને આ ચેટ સાથે તેઓને કોઇ લેવાદેવા છે કે કેમ તેની માહિતી મેળવી હતી. જો કે આ ચેટ અસલી છે કે નકલી, કોણે બનાવી, જી.ચૌહાણ નામની વ્યક્તિ કોણ, તેના મોબાઇલ નંબર શું છે, જી. ચૌહાણને જે સર કહીને સંબોધન કરે છે તે વ્યક્તિ કોણ? તેના મોબાઈલ નંબર શું છે?
જો કે ભૂજ પશ્ચિમ એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર સંદિપસિંહ ચુડાસમાએ પ્રિન્ટ થયેલી ચેટને માત્ર આંખોથી નિહાળી તે ખોટી હોવાનું કહી દઈ જજની ભૂમિકા ભજવી હતી. અહિયા સૌથી મોટો સવાલ એ છે કે, આસિ. પ્રોફેસર ગૌરવ ચૌહાણે આ ચેટ સંદર્ભે પોલીસને એવી અરજી કરી હતી કે આ ચેટ કોની છે? કોની કોની વચ્ચે વાતચીત થઈ છે ? અને આ ચેટમાં જી. ચૌહાણ નામનો ઉલ્લેખ કરવાનો ઉદ્દેશ્ય શું છે. આ ઉપરાંત ચેટમાં જે બે વ્યક્તિના મોબાઈલ નંબર લખાયા છે તે શા માટે લખાયા ? શું આ બંનેને પણ ખોટી રીતે સંડોવી દેવાનો આશય હતો? તેમજ આ ચેટ પોતાની નથી તો ટૂંકા નામે કોણે બનાવી હશે ? પોલીસે ગૌરવ ચૌહાણની અરજીના આધારે એવું કહી દીધું કે આ ચેટ છે એ બનાવવામાં આવી છે પણ કોના દ્વારા બનાવવામાં આવી છે? કઈ રીતે બનાવવામાં આવી છે? તેનો એફએસએલ કે કોઇપણ ટેક્નિકલ અભિપ્રાય વિના જ સીધો નિર્ણય જાહેર કરી દેવાયો છે.