ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક બે નહીં પણ 16-16 નિયમભંગ કરીને વર્ગ-1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની એક જગ્યા અને વર્ગ-2 સેક્શન ઓફિસરની 4 જગ્યામાં પોતાના મળતિયાઓની ભરતી કરી નાંખી છે. જે સમગ્ર મામલો પર્દાફાશ થતા રાજ્ય સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે ે આ સમિતિ ગુરુવારે કચ્છ પહોંચી નિવેદન લેશે.
16 નિયમોનો ભંગ કરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ રજિસ્ટ્રારના પી.એ. તરીકે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા બે સહિત પાંચ મળતિયાઓને યુજીસીના સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે એક્ટનો ભંગ કરીને કાયમી ઓર્ડર આપવામાં આવ્યો હતો. 8 માર્ચ 2024ના રોજ વેબસાઈટ પર નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના જાહેરાત મૂકી 26 ડિસેમ્બર 2024ના રોજ પાંચેય લાગતા વળગતાઓને ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક આપી દઈ 28 ડિસેમ્બર 2024ના રોજ હોદ્દાની પણ ફાળવણી કરી દેવામાં આવી હતી.
આ ભરતી કૌભાંડ સંદર્ભે અન્યાય થયેલા ઉમેદવારોએ લેખિતમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગ કે કચ્છ યુનિવર્સિટીના સત્તાવાહકોએ આંખ આડા કાન કરી આ કારસ્તાનને છાવર્યું હતું પણ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કરતા આખરે શિક્ષણ વિભાગે આ મામલે તપાસના આદેશ કર્યા છે અને તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ ગુરુવારે યુનિવર્સિટી પહોંચશે અને તમામ ઉમેદવારો પાસેથી પુરાવા એકત્ર કરશે. આ તપાસ સમિતિમાં વિસનગરની કોલેજના પ્રિન્સિપાલની નિમણૂક કરવામાં આવી છે.