કચ્છ યુનિવર્સિટીમાં કરાયેલી ગેરકાયદે ભરતી રદ કરાઈ

ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આજથી આઠ મહિના પહેલાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની કરાયેલી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદે હોવા અંગે સચાચાર 5 જાન્યુઆરી 2025ના રોજ પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ આ અંગે ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસ કમિટીની રચના કરી હતી જેનો આઠ મહિના બાદ રિપોર્ટ જાહેર કરાયો છે અને આખેઆખી ભરતી પ્રક્રિયા ખોટી રીતે, બોગસ રીતે અને એક પ્રકારનું ષડ્યંત્ર રચી લાગતા વળગતાઓને નોકરીમાં બેસાડી દેવાયા હોવાનું ફલિત થતા રાજ્ય સરકારે આખેઆખી ભરતી પ્રક્રિયા જ રદ કરી જે લાગતા વળગતાઓને ઉચ્ચ હોદ્દા પર બેસાડી દેવામાં આવ્યા હતા તેઓને તાકીદની અસરથી ઘરભેગા કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે અને સાથોસાથ એવી ટકોર પણ કરવામાં આવી છે કે, જે શિક્ષણવિદોએ ભરતી પ્રક્રિયા કરી છે તે સંપૂર્ણપણે ખોટી અને મામકાવાદ જેવી છે. આથી તેની પણ આગામી દિવસોમાં તપાસ થાય તેવો નિર્દેશ મળી રહ્યો છે.

કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની 2025ની શરૂઆતમાં જ ભરતી કરાઈ ત્યારબાદ તથ્ય સાથેના સત્ય પુરાવાઓ હાથ લાગ્યા હતા તપાસ કરતા કુલ 16 મુદ્દામાં એવું સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે, આ ભરતી પ્રક્રિયા જાહેર ખબર પ્રસિદ્ધ કરાઈ ત્યારથી વર્ગ-2માં પાંચ વ્યક્તિની નિમણૂક કરાઈ તે તમામ પ્રક્રિયામાં માત્રને માત્ર ઘરની ધોરાજી ચલાવવામાં આવી હતી. આ અંગે દિવ્ય ભાસ્કરે તે વખતના કુલપતિ મોહન પટેલ અને રજિસ્ટ્રાર અનિલ ગોરને ટેલિફોનિક સંપર્ક કરીને સવાલ કર્યો ત્યારે આ બંનેએ છાતી ઠોકીને એવું કહ્યું હતું કે, આખી ભરતી પ્રક્રિયા કાયદા કાનૂન મુજબ અને સરકારી નિયમોને આધીન કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *