ગુજરાતમાં શિયાળાની ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી તેને સરભર કરવા જાણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે હાર્ડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વર્ષની ઠંડીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં રાજકોટમાં સામાન્ય ઠંડી રહેતી હોય છે તેને બદલે આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે.
છેલ્લાં દસ વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલ લહેરનો પણ અનુભવ કર્યો છે એટલે કે ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે કચ્છના નલિયામાં અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર વર્તાતી હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ કોલ્ડવેવની અસર સતત બે દિવસ સુધી રહી હતી. એટલે કે શું રાજકોટ ગુજરાત રાજ્યનું બીજું નલિયા બની રહ્યું છે તેવો પણ પ્રશ્નો ઉદ્ભવે છે.
વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન પણ યથાવત્ રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો ઉપર ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા ઠંડીનું જોર ઘટશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યા છે, જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના આસપાસ દરિયાકાંઠો હોવાથી ત્યાં તાપમાન સામાન્ય કે સામાન્યથી થોડા અંશે વધુ રહેવાથી ઠંડીમાં આંશિક રાહત મળશે. આ ઉપરાંત આગામી 48 કલાક કચ્છમાં કોલ્ડવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, કચ્છમાં આજે અને આવતીકાલે (18 ડિસેમ્બર) એમ બે દિવસ ઠંડીનું પ્રમાણ વધુ રહેવાથી કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.