ગુજરાતના એફએમસીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ દ્વારા કંપની અને ડિસ્ટ્રિબ્યૂટર્સ વચ્ચે સુમેળતાથી કામ થાય તે માટે એક ચિંતન શિબિર રાજકોટ ખાતે યોજાઇ હતી જેમાં કંપનીઓની તાનાશાહી બંધ કરવા અંગેના નિર્ણયો કરાયા હતા અને વન માર્કેટ, વન કન્ઝયુમર, વન રેટની પોલિસી કંપનીઓ અપનાવે તેવી અપીલ કરવામાં આવી હતી.
તેમજ દરેક નવી તથા જૂની કંપનીઓની નોંધણી ફેડરેશન ઓફ ગુજરાત એફએમસી ડિસ્ટ્રિબ્યૂશન એસોસિએશનમાં કરાવવામાં આવે ત્યારબાદ જ એનું ડિસ્ટ્રિબ્યૂશન ગુજરાતમાં થાય જેથી કરીને કંપની અને ડિસ્ટ્રિબ્યૂટર વચ્ચે એક સાનુકૂળ વાતાવરણ સર્જાય તેવા પ્રયાસ કરવા નિર્ણય કરાયો હતો.
તેમજ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોના એસોસિએશનો દ્વારા આ બાબતે સંમતિ સધાઇ છે ત્યારે ગુજરાતના ખૂણે-ખૂણેના ડિસ્ટ્રિબ્યૂટર્સને એક છત્ર હેઠળ લાવવા માટે ખૂબ અગ્રીમતા આપી ઝોનવાઇઝ જવાબદાર વ્યક્તિઓ પ્રયાસ કરે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ એફએમસીજીની આખી સપ્લાય ચેન માત્ર બિઝનેસ નહીં પરંતુ ગુજરાતની અને દેશની જીવાદોરી હોય તેનું ગળું મરડી નાખવાના કંપનીઓના ગેરબંધારણીય પ્રયાસો તોડી પાડવાનો પણ નિર્ણય બેઠકમાં કરાયો હતો.
આ બેઠકમાં એક રાષ્ટ્ર, એક માર્કેટ અને એક ભાવ પર ખાસ ફોકસ કરવા તાકીદ કરાઇ હતી. જનરલ ટ્રેડ એટલે જે નાના વેપારીઓ અને હોલસેલરો છે એ બધા કરતા ઇ-કોમર્સ, ક્વિક કોમર્સ અને મોટા મોલ વગેરેને કંપનીઓ દ્વારા વધુ ડિસ્કાઉન્ટ અને માર્જિન આપવામાં આવે છે. જેની સામે નાના વેપારીઓને ઇ-કોમર્સ, ક્વિક કોમર્સ અને મોલની સામે ઉંચા ભાવે માલ વેચવા ફરજ પડે છે. જેને કારણે ગ્રાહકોને રિટેલ કે નાની દુકાનમાંતી માલ ખરીદતા છેતરામણીનો અહેસાસ થાય છે. પરિણામે મોટા પાયે નાની દુકાનો બંધ થઇ રહી છે અને બેરોજગારીનું સર્જન થઇ રહ્યું છે.