ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સહન નહીં થાય : મોદી

ઓસ્ટ્રેલિયા પ્રવાસના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ પછી બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. પીએમ મોદીએ કહ્યું- અમે બંનેએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થઈ રહેલા સતત હુમલા અંગે ચર્ચા કરી. અમે બંને દેશો વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ કૃત્યને સાંખી લઈશું નહીં.

આ દરમિયાન પીએમ અલ્બેનિસે આશ્વાસન આપ્યું કે આવા મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મોદીએ કહ્યું- છેલ્લા એક વર્ષમાં અલ્બેનીઝ સાથે આ મારી છઠ્ઠી મુલાકાત છે. આનાથી સાબિત થાય છે કે ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો કેટલા ઊંડા છે. ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો બંને દેશો વચ્ચેના સંબંધો T-20 મોડમાં આવી ગયા છે. પ્રેસ બ્રીફિંગ બાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ ડેવિડ હર્લી સાથે પણ મુલાકાત કરી હતી.

પીએમ મોદીએ અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોને આ વર્ષના વર્લ્ડ કપ માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું- વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો તહેવાર પણ ઉજવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બેનીઝ આ સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લે.

બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી
પ્રેસ બ્રીફિંગમાં, પીએમ અલ્બેનિસે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા બિઝનેસ અને ટેક્નોલોજી શેરિંગના સંદર્ભમાં બંને દેશોને મદદ કરવા માટે બેંગલુરુમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. આ પહેલાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં G20, વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સૈન્ય સહયોગ વધારવાની વાત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *