ઓનલાઇન ગેમમાં નાણાં ગુમાવનાર યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મૂળ જામકંડોરણા ગામનો અને હાલ રાજકોટમાં અમીન માર્ગ પર ચિત્રકૂટ સોસાયટીમાં ભાડે રહેતા નિકુંજ જેરામભાઇ કથીરિયા (ઉ.36) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 108ની ટીમે બનાવની જાણ કરતાં માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ પરમાર સહિતે પ્રાથમિક તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી કરી હતી.

પોલીસની તપાસમાં મૃતક યુવકના માતા-પિતા તેના વતન જામકંડોરણા ગામે રહેતા હોવાનું અને યુવક એકલો રાજકોટ ભાડાના મકાનમાં રહેતો હતો અને એમ.આર.(મેડિકલ રિપ્રેઝન્ટેટિવ) તરીકે નોકરી કરતો નિકુંજ એકાદ વર્ષથી મકાન ભાડે રાખી રહેતો હતો અગાઉ સુરત નોકરી કરતો હોવાનું અને તેના પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હોવાનું પરિવારે જણાવ્યું હતું.

પોલીસની વધુ તપાસમાં તેના મિત્ર સાથે ફોનમાં વાત કરી હતી કે તે આર્થિક ભીંસમાં હોય અને લોન લેવાની વાત કરી હતી. બાદમાં મિત્ર તેની સાથે વાત કરવા ઘેર પહોંચતા દરવાજો બંધ હોય ખખડાવ્યો હતો, પરંતુ નહીં ખૂલતા દરવાજાની તિરાડમાંથી નજર કરતા નિકુંજને લટકતો જોયો હતો. બાદમાં દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને દરવાજો તોડી નાખ્યો હતો અને 108ને જાણ કરી હોવાનું તેના મિત્રએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *