કુવાડવા રોડ ડિ-માર્ટ પાસે જાહેર રોડ બાકડા પાસે ઉભેલ શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન કસીનો ગેમમાં જુગાર રમે છે. તેવી બી ડિવિઝન પોલીસને ચોકકસ બાતમી મળતા દરોડો પાડી તે શખ્સને અટકાયત કરી તેનું નામ પૂછતાં પોતાનુ નામ મહેશ ચંપકલાલ ઝીંઝવાડિયા (ઉ.વ.52) જણાવ્યું હતું. તેના મોબાઈલમાં તપાસ કરતાં BROWNEXCH નામની આઈ.ડી. મારફત કસીનો ડ્રેગન ટાઇગર નામનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં આરોપીએ ગુગલમાંથી Guruji book સર્ચ કરી તેમાંથી અન્ય એક મોબાઈલ નંબર પરથી રૂપિયા ટ્રાન્સફર કરી જુગાર રમતો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવ કટારીયા ચોક નજીક સરસ્વતી પાર્ટી પ્લોટ પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે તેની પુછપરછ કરતા યુવકે જણાવ્યું કે, તે પોતે કડિયાકામ કરે છે. વર્ષ 2013માં તેના લગ્ન બામણબોરની યુવતી સાથે થયા હતા. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે જે હાલ તેના સાથે રહે છે. પત્નીને અફેર હોય, એક વર્ષ પહેલા નોટરી લખાણ કરી છૂટાછેડા આપી દીધા હતા. પત્ની બીજા કોઈ જોડે રહેવા જતી રહી હતી. આ પછી ફરી તેણીએ હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલા પોલીસમાં ખોટી દુષ્કર્મની અરજી કરી હતી જેનાથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.