ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં સોમવારે મોડી રાત્રે આત્મહત્યા કરનાર 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિની 95 ટકા દાઝી ગઈ હતી અને છેલ્લા 3 દિવસથી ભુવનેશ્વરના એઈમ્સમાં જીવન માટે સંઘર્ષ કરી રહી હતી.
આ છોકરી ફકીર મોહન કોલેજમાં ઇન્ટિગ્રેટેડ બી.એડ. કોર્સના બીજા વર્ષની વિદ્યાર્થિની હતી. 12 જુલાઈના રોજ, વિભાગના વડા (HOD) દ્વારા હેરાનગતિનો ભોગ બન્યા બાદ, તેણીએ કોલેજ કેમ્પસમાં પોતાના પર કેરોસીન છાંટીને ખુદને આગ લગાવી દીધી હતી.
ઘટના પહેલા, તે પ્રિન્સિપાલ પાસે ગઈ હતી, પરંતુ પ્રિન્સિપાલે તેણીને ફરિયાદ પાછી ખેંચવા કહ્યું. આ પછી તેણીએ આત્મહત્યા કરી. સ્ટુડન્ટને પહેલા બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી, ડોક્ટરોએ તેણીને ભુવનેશ્વર એઈમ્સ રેફર કરી.
વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ X પર કહ્યું હતું કે તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળશે. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ એઈમ્સ પહોંચેલા ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદાએ જણાવ્યું હતું કે પીડિતાનું સોમવારે રાત્રે લગભગ 11:45 વાગ્યે મૃત્યુ થયું હતું.