પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રેલવે યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં ‘સેવા હી સંકલ્પ’ અભિયાન અંતર્ગત આરપીએફ રાજકોટ ડિવિઝને ઈમાનદારી, સતર્કતા અને માનવીય સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. RPF દ્વારા જુદા-જુદા મુસાફરોનો 3 લાખનો સામાન પરત કરાયો હતો. તેમજ 34 જેટલા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે ઘરેથી ભાગેલી 16 વર્ષની સગીરાને શોધી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
યાત્રીઓની મૂલ્યવાન વસ્તુઓનું સુરક્ષિત વળતર આરપીએફ કર્મીઓએ તેમની ડ્યુટી દરમિયાન સહયોગ અને ઈમાનદારીનો પરિચય આપતા કુલ 37 યાત્રીઓનો ભૂલથી છૂટી ગયેલો મૂલ્યવાન સામાન સુરક્ષિત રીતે તેમને પરત કર્યો છે. આ સામાનની કુલ કિંમત આશરે રૂ. 3,09,914 જેટલું થાય છે. રાજકોટ આરપીએફ ટીમ દ્વારા ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત ઘરેથી ભાગી ગયેલી એક 16 વર્ષીય સગીરાને શોધી કાઢી તેને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ઉપરાંત ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.