શહેરમાં એસ્ટ્રોન નાળા પાસે બાઇક સ્લિપ થતાં ઘવાયેલા શિક્ષકનું મોત નીપજ્યું હતું. મિત્રની ઓફિસના દસ્તાવેજમાં સહી કરવા રજિસ્ટ્રાર ઓફિસે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. રૈયા રોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા અરવિંદભાઇ શિવાભાઇ મણવર (ઉ.વ.63) ગત તા.26ના પોતાનું બાઇક ચલાવીને જતાં હતા અને એસ્ટ્રોન નાળા પાસે પહોંચ્યા હતા ત્યારે કોઇ કારણસર બાઇક સ્લિપ થઇ ગયું હતું.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નિવડી નહોતી અને તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ અરવિંદભાઇ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે. બનાવથી મણવર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
અન્ય એક કિસ્સામાં ભગવતીપરામાં રહેતા મંજુબેન કાંતિભાઇ ઉધરેજિયા (ઉ.વ.50) સોમવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં પતિનું મૃત્યુ થયું ત્યારથી મંજુબેન બીમાર રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.