કનુભાઈ ધુળાભાઈ તરાલ (ઉં.વ.49) અંબાજી – રાજકોટ – અંબાજી રૂટની બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે રાત્રે તેઓ અંબાજીથી રાજકોટ આવ્યા હતા અને તેના બસના ડ્રાઇવર પણ અહીં રાત્રે સૂતા હતા. વહેલી સવારે 5.30 વાગ્યે ડ્રાઇવરએ કનુભાઈને ઉઠાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કનુભાઈ બેભાન લાગતા અન્ય એસટી કર્મચારીઓને જાણ કરી હતી તેમજ 108 મારફત કનુભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે કનુભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ થતા સિવિલ હોસ્પિટલે પહોંચી કનુભાઈના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને બનાસકાંઠા તેમના પરિવારને જાણ કરી હતી. મૃતકના પરિવારજનો અને તેના ગામના સરપંચ રાજકોટ આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ કનુભાઈ છ ભાઈ, ત્રણ બહેનમાં નાના હતા. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. પોસમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ મુજબ તેનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.
અન્ય બનાવમાં દિલીપભાઈ સોમાભાઈ ગોહેલ (ઉ.વ.40) ગઈકાલે બપોરે 1 વાગ્યે પોતાના ઘરે ઈમિટેશનનું કામ કરતા હતા. ત્યારે ગેસગન લીક થતા અચાનક ભડકો થયો હતો અને દિલીપભાઈ પહેરેલ કપડે દાઝી ગયા હતા તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે તેને સારવારમાં દમ તોડ્યો હતો. દિલીપભાઈ ઘરેથી જ ઇમિટેશનનું કામ કરતા હતા. ગઈકાલે બપોરે તેઓ ઘરે એકલા હતા અને ઇમિટેશન કામ કરતા હતા ત્યારે આગ લાગી હતી. મકાનમાંથી ધુમાડા નીકળતા પાડોશીને જાણ થઈ હતી અને પાડોશીએ ફોન કરીને પરિવારજનોને બનાવ અંગે માહિતી આપી હતી. મૃતક દિલીપભાઈ 3 ભાઈ, 1 બેહેનમાં સૌથી મોટા હતા. બનાવની જાણ થતા થોરાળા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.