રાજકોટમાં ડ્રગ્સના ખપ્પરમાં યુવાધન હોમાઇ રહ્યું છે. યુવાનોમાં દિનપ્રતિદિન ડ્રગ્સ પાર્ટીનું ચલણ વધી રહ્યુ છે ત્યારે શહેરમાં ડ્રગ્સનું ધૂમ સેવન અને મોટા પાયે વેચાણ થતું હોવાની વાતને સમર્થન મળ્યું છે. શહેર પોલીસે બે શખ્સને રૂ.9,85,400ની કિંમતના 98.54 ગ્રામ એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.
150 ફૂટ રિંગ રોડ પર અમૃતસાગર પાર્ટી પ્લોટ પાસેના ભક્તિધામ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.19માં રહેતા પાર્થ દેવકુ મકવાણા પાસે ડ્રગ્સનો જથ્થો હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ જે.એમ.કૈલા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને હાર્દિકસિંહ પરમાર સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં પાર્થના ફ્લેટમાંથી રૂ.9,85,400ની કિંમતનો 98.54 ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ડ્રગ્સ, મોબાઇલ સહિત કુલ રૂ.10,05,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પર હાજર પાર્થ દેવકુ મકવાણા (ઉ.વ.21) તથા ખોડિયાનગરમાં હૈદરી મસ્જિદ પાસે રહેતા સાહિલ ઉર્ફે નવાબ અયુબ સોઢા (ઉ.વ.24)ની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્થ અને સાહિલ અગાઉ 20 ગ્રામ ડ્રગ્સ લઇ આવ્યા હતા અને તેનું વેચાણ થઇ ગયા બાદ ત્રણ દિવસ પહેલાં મુંબઇથી ડ્રગ્સનો આ જથ્થો લઇ આવ્યા હતા. જોકે તેનું વેચાણ કરે તે પહેલાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર મુંબઇના શખ્સની શોધખોળ શરૂ કરી હતી. સાથોસાથ આ બંને શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદનાર નશાખોરની માહિતી પણ પોલીસે એકઠી કરી હતી અને નશામાં ધૂત થઇ રહેલા યુવાનોની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે.