બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’નો ટીઝર લોન્ચ કાર્યક્રમ શનિવારે હૈદરાબાદમાં યોજાયો હતો. ઇવેન્ટમાં ટેકનિકલ ખામીના કારણે ઘણા પ્રયાસો કરવા છતાં પણ ટીઝર પ્લે ન થયું, જેથી ડિરેક્ટર એસએસ રાજામૌલીએ સ્ટેજ પર આવીને કાર્યક્રમમાં હાજર લોકોની માફી માંગી. જોકે, આ દરમિયાન તેમણે આપેલા નિવેદનના કારણે તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
જ્યારે ટેકનિકલ ખામીને કારણે ટીઝર પ્લે થઈ શક્યું નહીં, ત્યારે એસએસ રાજામૌલી સ્ટેજ પર આવ્યા અને કહ્યું કે તેઓ ભગવાનમાં માનતા નથી. પરંતુ જ્યારે ટેકનિકલ ખામી સર્જાઈ, ત્યારે તેમને તેમના પિતાએ કહેલી વાત યાદ આવી. તેમણે કહ્યું, ‘જ્યારે પણ તારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે, ત્યારે ભગવાન હનુમાન તને મદદ કરશે.’
એસએસ રાજામૌલીએ આગળ કહ્યું, ‘મને ભગવાનમાં બહુ વિશ્વાસ નથી. મારા પિતા કહેતા હતા કે, જ્યારે પણ હું મુશ્કેલીમાં મૂકાઇશ, ત્યારે હનુમાન મારી પાછળ ઊભા રહેશે અને મને રસ્તો બતાવશે. પરંતુ જેવી આ ગડબડ થઈ, મને ખૂબ ગુસ્સો આવ્યો. શું ભગવાન આ રીતે મદદ કરે છે?’
સ્ટેજ પર બોલતા સમયે એસએસ રાજામૌલીએ એમ પણ કહ્યું કે, તેમની પત્ની પણ ભગવાન હનુમાનમાં શ્રદ્ધા ધરાવે છે. જોકે, જ્યારે ટેકનિકલ ખામી સર્જાઈ, ત્યારે તેઓ થોડા સમય માટે તેનાથી નારાજ થઈ ગયા.
રાજામૌલીએ ફરીથી ટીઝર ચલાવવાનો પ્રયાસ કર્યો અને આ વખતે જ્યારે ટીઝર પ્લે ન થયું, ત્યારે તેમણે કહ્યું કે, જો તેમના પિતાના હનુમાનએ તેને એક વાર મદદ કરી હોય, તો તે જોવા માંગે છે કે શું તેની પત્નીના હનુમાન તેને ફરીથી મદદ કરશે?