એશિયા કપના સુપર 4માં પાકિસ્તાન પહોંચ્યું

પાકિસ્તાને 2025 એશિયા કપના સુપર ફોર માટે ક્વોલિફાય કર્યું છે. ટીમે બુધવારે પોતાની છેલ્લી લીગ મેચમાં UAE પર 41 રનથી વિજય મેળવ્યો. સુપર ફોર તબક્કામાં પાકિસ્તાનનો આગામી મુકાબલો 21 સપ્ટેમ્બરે ભારત સામે થશે.

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, UAE 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું. રાહુલ ચોપરાએ સૌથી વધુ 35 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ અને અબરાર અહેમદે બે-બે વિકેટ લીધી.

UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 14 બોલમાં અણનમ 29 રન બનાવ્યા. ફખર ઝમાને 50 રન, કેપ્ટન સલમાન આગાએ 20 રન અને વિકેટકીપર મોહમ્મદ હારિસે 18 રનનું યોગદાન આપ્યું. જુનૈદ સિદ્દીકીએ ચાર વિકેટ લીધી. સિમરનજીત સિંહે 3 વિકેટ લીધી.

મેચ એક કલાક મોડી શરૂ થઈ

પાકિસ્તાની ટીમ સમયસર સ્ટેડિયમમાં ન પહોંચવાને કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. 14 સપ્ટેમ્બરના રોજ હાથ મિલાવવાના વિવાદ બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માગણી પર અડગ રહીને ટીમને હોટલમાં જ રોકી દીધી હતી. આઈસીસીએ મેચ રેફરીને હટાવવાની પીસીબીની માગણીને ફગાવી દીધી હતી. આનાથી ગુસ્સે થઈને પીસીબીએ ટીમને હોટલમાં જ રોકી લીધી. ટોસ પહેલા, પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટન અને મેનેજરની માફી માગી છે. મહત્વનું છે કે, એન્ડી પાયક્રોફ્ટ આ મેચ માટે રેફરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *