ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિમાં ગેસના પુરવઠાને માઠી અસર પડી છે અને ઉદ્યોગો બાદ કોમર્સિયલ ગ્રાહકોને ગેસ સપ્લાયમાં કાપ મુકાયા બાદ હવે કેન્દ્ર સરકારના ગેસ અંગેના કાયદામાં સુધારા બાદ તાત્કાલિક અસરથી પાઈપલાઈન ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોના રાંધણગેસના સિલિન્ડર રાખી શકશે નહીં તેવો આદેશ કર્યો છે. કેન્દ્ર-રાજ્યના આદેશ બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ જીએસપીસી અને ઘરેલુ ગેસ વિતરણ કંપનીઓ સાથે બેઠક યોજી નિયમની અમલવારી માટે આદેશ કર્યા હતા.
જિલ્લામાં ગેસની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઘરેલુ ગેસનું વિતરણ કરતી કંપનીના અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં કરેલા તરલીકૃત પેટ્રોલિયમ ગેસ સુધારા આદેશને અમલી બનાવી નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે, બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં. તેવી સૂચના આપી હતી. ઉપરાંત PNG ગેસ ધારકો માટે નવા LPG કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હવે પીએનજી ગેસ ધારકો નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં. સાથે જ PNG કનેક્શન ધરાવતા ગ્રાહકને LPG કનેક્શન પરત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
શહેર જિલ્લામાં વધુ 9 ગેસ સિલિન્ડર સીઝ શહેર-જિલ્લામાં રાંધણગેસનો પુરવઠો જળવાઈ રહે અને ઘરેલુ ગેસનો ગેરકાયદેસર કોમર્સિયલ ઉપયોગ રોકવા સોમવારે પણ પુરવઠા વિભાગની સૂચના હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર અને પોલીસે સંયુક્ત ચેકિંગ કર્યું હતું. જેમાં ગોંડલ ખાતે રેસ્ટોરન્ટ-હોટેલના ચેકિંગમાં કોમર્સિયલ ઉપયોગ કરવા બદલ છ બાટલા કબજે કરાયા હતા. જયારે ધોરાજીમાં હરભોલે રેસ્ટોરન્ટમાંથી બે ભરેલા અને એક ખાલી ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવતા સીઝ કરાયા હતા. ઉપરાંત અલગ -અલગ ગેસ એજન્સીમાં પણ તપાસ કરાઈ હતી.
રાજકોટ જિલ્લામાં 3.50 લાખથી વધુ PNG ગ્રાહકો કેન્દ્ર સરકારે ખાડી દેશમાં યુદ્ધની સ્થિતિમાં એલપીજી ગેસ કનેક્શન ધારકો માટે નવો સુધારા હુકમ કહેર કરી PNG ગેસ કનેક્શન ધારકોને LPG સિલિન્ડર જમા કરાવવા હુકમ કર્યો છે ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં PNG ગેસ ગ્રાહકોની સંખ્યા 3.50 લાખ જેટલી હોવાનું તેમજ એલપીજી ગેસ કનેક્શન ધારકોની સંખ્યા 4.50 લાખ જેટલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોટાભાગના PNG ગ્રાહકો બેવડો લાભ રહ્યા હોવાથી નવો નિયમ અમલી બનતા એલપીજી ગેસ વિતરણ કરતી કંપનીમાં હવે બુકિંગ ઘટી જવાની ધારણા છે.