મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. એર ઇન્ડિયા 12 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર ₹399નો ફ્યુઅલ સરચાર્જ લાદશે. આનો અર્થ એ કે તમારે હવે ટિકિટ ખરીદતી વખતે વધારાના ₹399 ચૂકવવા પડશે.
એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ સરચાર્જ વસૂલશે. બ્લૂમબર્ગે એ પણ અહેવાલ આપ્યો છે કે ભારતીય એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભાડામાં આશરે 15% વધારો કર્યો છે.
અહેવાલ મુજબ, યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વિક્ષેપને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અને જેટ ઇંધણના ભાવમાં સતત વધારો થયો છે, જે ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીને પણ અસર કરી રહ્યો છે.
ભારત, એશિયા અને વિશ્વભરની મોટી એરલાઇન્સે પણ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે, અને ઘણી કંપનીઓ તેમના વિમાનોને ગ્રાઉન્ડ કરવાની યોજના બનાવી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ 1970ના દાયકા પછીનું સૌથી મોટું ઓઇલ સંકટ હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમતોમાં થઈ રહેલા વધારાને જોતા ભારતની એવિએશન કંપનીઓ આવનારા દિવસોમાં ભાડું વધુ વધારી શકે છે. એરલાઇન્સનું કહેવું છે કે ઓપરેશનલ કોસ્ટ વધવાને કારણે તેમની પાસે ભાડું વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે
28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પછી ઓઇલની સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ આજે 93 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. જ્યારે એક દિવસ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 120 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો.