રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ‘અવસર’ (AVSAR – Airport as Venue for Skilled Artisans of the Region) પ્રોજેક્ટ અંતર્ગત સ્વસહાય જૂથોને ફાળવવામાં આવેલા ‘સખી સ્વદેશી માર્ટ’નુ ઉદ્ઘાટન કર્યું હતુ. જ્યાં હવાઈ મુસાફરો મંડાલા આર્ટ, પટારી વર્ક, પટોળાની ખરીદી કરી શકશે. આ તકે સ્ટોલ ધારક બહેનોને મંત્રીએ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી બાવળીયાએ જણાવ્યુ હતુ કે, આ સ્ટોલ થકી ‘હર ઘર સ્વદેશી’ના મંત્ર અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં સખી મંડળની બહેનો મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે બહેનોને ઉજ્જવળ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સખી સ્વદેશી માર્ટમાં રાજકોટ તાલુકાના બેડી ગામના રવિ-રાંદલ મિશન મંગલમ્ જૂથની મંડાલા આર્ટ, જસદણ તાલુકાના પારેવાડા ગામના શિવ મિશન મંગલમ જૂથનું પટારી વર્ક અને કોટડાસાંગાણીના રચના મિશન મંગલમ જૂથના પટોળાની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે. આ માર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા સ્ટોલધારક બહેનોએ પ્રથમ દિવસે જ રૂ.53 હજારની કમાણી કરી હતી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા ‘અવસર’ (Airport as Venue for Skilled Artisans of the Region) યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો (SHGs)ને તેમના સ્વનિર્મિત ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે એરપોર્ટ પર નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો અને હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગ્રામીણ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાનો છે. જેનાથી સ્થાનિક કલાકારોનું આર્થિક સશક્તિકરણ થાય છે અને પ્રવાસીઓને પ્રાદેશિક સંસ્કૃતિ તથા પરંપરાનો પરિચય મળે છે.