રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ મુસાફરો માટે ટૂંક સમયમાં જ બે મોટી અને આકર્ષક સુવિધાઓ શરૂ થવા જઈ રહી છે. અહીં મુસાફરોને હવે સસ્તા દરે ચા, કોફી અને નાસ્તાની સુવિધા મળશે, જ્યારે બાળકો માટે ખાસ ‘કિડ્ઝ ઝોન’ પણ શરૂ થશે. એરપોર્ટ પર ટૂંક સમયમાં ‘ઉડાન કાફે’ શરૂ થવાનું છે.
અહીં મુસાફરો માત્ર રૂ.10માં ચા અને પીવાના પાણીની બોટલ મેળવી શકશે, જ્યારે કોફી અને સમોસા માત્ર રૂ.20માં ઉપલબ્ધ થશે. આ નવી સુવિધાનો પ્રારંભ ઉડ્ડયન મંત્રીના હાથે કરાવવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમનો સમય માગવામાં આવ્યો છે. એકવાર તારીખ નક્કી થયા બાદ આ કાફેનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં બાળકો માટે ખાસ ‘કિડ્ઝ ઝોન’નું પણ લોકાર્પણ થવાનું છે. ઘણી વખત ફ્લાઈટ મોડી થતા પરિવાર સાથે આવેલા બાળકો વેઇટિંગ એરિયામાં કંટાળી જતા હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે.
અહીં બાળકો વિવિધ રમતો રમીને પોતાનો સમય આનંદપૂર્વક પસાર કરી શકશે અને ફ્લાઈટ મોડી થવાના કંટાળાને ભૂલી જશે. આ સુવિધાથી મુસાફરી દરમિયાન બાળકો અને તેમના પરિવારો બંનેને રાહત મળશે.
હાલમાં રાજકોટ એરપોર્ટ પર દરરોજ 8 જેટલી દૈનિક ફ્લાઈટ સહિત કુલ 11 ફ્લાઈટનું સંચાલન થાય છે, જેમાં દરરોજ સરેરાશ 2500થી વધુ મુસાફરો અવર-જવર કરે છે.