એમપી અને મુંબઈની સતત ત્રીજી જીત: ઉત્તરાખંડે પંજાબને 5 વિકેટે હરાવ્યું, ચંદેલાએ સદી ફટકારી

મધ્ય પ્રદેશ અને મુંબઈએ વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિરીઝમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. મધ્ય પ્રદેશે સોમવારે અમદાવાદમાં કેરળ પર 47 રનથી વિજય નોંધાવ્યો હતો, જ્યારે મુંબઈએ છત્તીસગઢને 9 વિકેટથી હરાવ્યું હતું. બંને ટીમો 12-12 પોઈન્ટ સાથે પોતપોતાના ગ્રુપમાં ટોચ પર છે. બીજી તરફ, ઉત્તરાખંડે પંજાબને 5 વિકેટથી હરાવીને મોટો ઉલટફેર કર્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેરળએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. મધ્ય પ્રદેશે 46.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જવાબમાં કેરળની ટીમ 41.1 ઓવરમાં 167 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 93 રનની શાનદાર ઈનિંગ રમનાર હિમાંશુ મંત્રી ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો.

બીજી તરફ, જયપુરમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટીમે પહેલા તો છત્તીસગઢને 39.1 ઓવરમાં માત્ર 142 રન પર રોકી દીધું હતું. ત્યારબાદ 24 ઓવરમાં એક વિકેટના નુકસાને 144 રન બનાવીને વિજય મેળવ્યો હતો. કેપ્ટન શાર્દૂલ ઠાકુર ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો, તેણે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શમ્સ મુલાનીએ 5 વિકેટ લીધી હતી.

કેપ્ટન કુણાલ ચંદેલાની સદીના કારણે ઉત્તરાખંડે પંજાબને 5 વિકેટે હરાવ્યું. જયપુરના અનંત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઉત્તરાખંડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પંજાબે 50 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા. ઉત્તરાખંડે 47.4 ઓવરમાં 5 વિકેટે 269 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ચંદેલાએ 118 રનની ઇનિંગ રમી. શાશ્વતે અણનમ 51 રન બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *