શહેરની ભાગોળે કુવાડવા રોડ પરથી પોલીસે ફ્રૂટના ધંધાર્થી ચાર શખ્સને દેશી બનાવટની પિસ્ટલ અને પાંચ કાર્ટિસ સાથે ઝડપી લીધા હતા. ફ્રૂટની લારી રાખવા સહિતના મુદ્દે છાશવારે માથાકૂટ થતી હોય ચારેય શખ્સ મધ્યપ્રદેશથી ગેરકાયદે હથિયાર ખરીદીને આવી જ રહ્યા હતા ત્યાં રસ્તામાં પોલીસનો ભેટો થઇ ગયો હતો.
અમદાવાદ તરફથી આવી રહેલી સ્વિફ્ટ કારમાં બેઠેલા શખ્સો પાસે ગેરકાયદે હથિયાર હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા અને પીએસઆઇ કામળિયા સહિતની ટીમે કુવાડવા રોડ પર રવેચી ટી સ્ટોલ પાસે વોચ ગોઠવી હતી. નિયત નંબરની કાર પસાર થતા જ પોલીસે તેને અટકાવી હતી અને કારની ડ્રાઇવર સીટની બાજુની સીટની પાછળના સીટ કવરની ચેઇન ખોલતા જ સીટ કવરમાંથી રૂ.25 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ અને રૂ.500ની કિંમતના 5 કાર્ટિસ મળી આવ્યા હતા.
પોલીસે હથિયાર અને કાર્ટિસ કબજે કરી કારમાં બેઠેલા રેલનગરના સંદીપ સુદામા નાવાણી (ઉ.વ.32), ભગવતીપરાના અભય ઉર્ફે લાલો ચંદુ મારૂનિયા (ઉ.વ.26), રૈયા ગામના મયૂર પ્રકાશ ટોલાણી (ઉ.વ.24) અને રેલનગરના વિકી ઉર્ફે અજય સુરેશ વધવા (ઉ.વ.25)ની ધરપકડ કરી હતી. પોલીસે પિસ્ટલ, કાર્ટિસ અને કાર સહિત કુલ રૂ.3,70,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આગવીઢબની પૂછપરછમાં ચારેય ‘પોપટ’ બની ગયા હતા, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચારેય શખ્સ ફ્રૂટનો વેપાર કરે છે અને ફ્રૂટની લારી રાખવા સહિતના મુદ્દે વારંવાર માથાકૂટ થતી હોવાથી હરીફ ધંધાર્થીને દબાવવા માટે ગેરકાયદે હથિયાર ખરીદવાનું નક્કી કર્યું હતું અને ચારેય મહારાષ્ટ્રની બોર્ડરમાં આવેલા ભુસાવડ ગામે ગયા હતા અને ત્યાં રોકાણ કર્યા બાદ નજીકમાં આવેલી મધ્યપ્રદેશના બોર્ડરના ગામમાં જઇને પિસ્ટલ-કાર્ટિસ ખરીદ કર્યા હતા. જોકે ચારેય શખ્સ રાજકોટ પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ પોલીસે ચારેયને ઝડપી લીધા હતા.