રાજકોટ શહેરના કોઠારીયા રોડ આસોપાલવ સોસાયટી શેરી નંબર-2 પ્લોટ નં. 195માં રાંદલ કૃપા ખાતે રહેતાં કલ્પેશભાઇ ભેસાણીયાનો પુત્ર ક્રિશવ (ઉ.વ.10) પુનીતનગરમાં વૃંદાવન સીટી એપાર્ટમેન્ટ વીંગ એ-902માં પોતાના દાદાના ઘરે સાંજે 5.30 વાગ્યે હતો ત્યારે રમતી વખતે નવમા માળે લોખંડની ગ્રીલમાં લપસીયું ખાતો હતો. આ વખતે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ક્રિશવને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરંતુ, અહીં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં તાલુકા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ક્રિશવના પિતા કારખાનેદાર છે. ક્રિશવ તેનો એકનો એક દીકરો હતો અને ધોરણ-4માં અભ્યાસ કરતો હતો. રવિવારે રજા હોવાથી દાદાના ઘરે ગયો હતો ત્યારે રમતી વખતે આ ઘટના બની હતી. એકના એક સંતાનના મોતથી પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે.
ચાલીને જતી પરિણીતાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની ચીલઝડપ આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક સુંદરમ પાર્ક શેરી નંબર 3માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની લક્ષ્મીબેન ચંદનભાઈ ચૌહાણ (ઉ.વ.35) નામના પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.11.01.2026ના સાંજના 5.30 વાગ્યા આસપાસ તેઓ પગપાળા ઘર પાસે આજીડેમ ચોકડી નજીક ચાલીને જતા હતા ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું જેમાં બે શખ્સો સવાર હતા. આ બાઈક ચાલકે બાજુમાંથી બાઈક ચલાવી ઓચિંતા તેમના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલું મંગળસૂત્ર આંચકી લીધું હતું. મંગળસૂત્રમાં સોનાનું ચગદુ હતું જેની કિંમત રૂપિયા 7500 છે જેની ચીલઝડપ થતા મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચીલઝડપની આ ઘટના અંગે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી વધુ તપાસ હાથ ધરી છે.