એન્જિનિયરિંગની જોબ છોડી પ્રાકૃતિક ખેતી શરૂ કરી

ઝેરી રસાયણયુક્ત ખેતીના ખરાબ પરિણામ આજે દુનિયા જોઈ રહી છે. ખેતજમીનો બંજર બને છે અને કેન્સર જેવા રોગોના જોખમ વધે છે. જેની સામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શરૂ કરેલા પ્રાકૃતિક કૃષિના યજ્ઞમાં રાજ્યના અનેક ખેડૂતો જોડાઈ રહ્યા છે. આ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતીનું સ્વાસ્થ્ય (ફળદ્રુપતા) સુધારીને નંદનવન બનાવી રહ્યા છે. આ સાથે ઝેરમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો થકી સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે અહીં પ્રસ્તુત છે એવા યુવા ખેડૂતની કહાની કે જે એન્જિનિયરિંગ ક્ષેત્રની સારા પગારવાળી જોબ છોડીને ભાગીદારીમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

મૂળ જામનગર જિલ્લાના બેરાજા (ભલસાણ) ગામના વતની અતુલ ચાંગાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે બિલિયાળામાં 240 વિઘા તથા મેટોડા પાસે બાલસરમાં 23 વિઘા જમીન ભાગીદારીમાં રાખી છે અને આ જમીનમાં મોટેભાગે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે. 40 વર્ષીય યુવાન અતુલ ચાંગાણીએ વર્ષ 2005માં સુરતથી ઓટો મોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ અગ્રગણ્ય ઓટો મોબાઈલ કંપનીના સર્વિસ સેન્ટરમાં ઉચ્ચ હોદા પર નોકરી કરી. મોભાદાર નોકરી હોવા છતાં એનું મન ખેતી તરફ ખેંચાતું હતું. અતુલે મહારાષ્ટ્રના પૂનાના તલેગાવમાં તેમજ ગામડે ગ્રીન હાઉસ જોયા હતા. એ પછી તેમણે ખેતી કરવાનો મક્કમ નિર્ધાર કર્યો અને ગામડે ગ્રીન હાઉસ બનાવીને ખેતી શરૂ કરી હતી. અતુલ ધીમે ધીમે ખેતી શીખતો ગયો, પછી રાજકોટ પાસે ગોંડલના બિલિયાળામાં 240 વિઘા તથા મેટોડા પાસે બાલસરમાં 23 વિઘા જમીન ભાગીદારીમાં રાખી ગ્રીનહાઉસ પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *