મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે.
પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈપણ એક ફોટો-ID બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ્સ બતાવીને સિલિન્ડર લઈ શકે છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એનર્જી લોજિસ્ટિક્સ પર અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવાનો પણ નિર્ણય કર્યો છે.
સરકારી આંકડાઓ અનુસાર, 23 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 6.6 લાખ નાના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. 4 એપ્રિલે જ 90,000 યુનિટ્સનું વેચાણ થયું. અધિકારીઓનું કહેવું છે કે ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ્સ પર સ્ટોકની કોઈ કમી નથી.
પ્રવાસીઓ માટે HPCL આઉટલેટ્સ પર 11 હેલ્પ ડેસ્ક કાર્યરત
કામકાજ માટે અન્ય શહેરોમાં રહેતા લોકોની મદદ કરવા માટે સરકારે HPCL ના પસંદગીના આઉટલેટ્સ પર 11 વિશેષ હેલ્પ ડેસ્ક બનાવ્યા છે. આ ડેસ્ક ગ્રાહકોને નજીકના ડિસ્ટ્રીબ્યુટરની માહિતી આપશે અને તેમને કોઈપણ મુશ્કેલી વિના સિલિન્ડર મેળવવામાં મદદ કરશે.