શહેરના લાતી પ્લોટની જમીનના સોદાના બહાને એડવોકેટ સહિત બે શખ્સે રૂ.2.65 કરોડની છેતરપિંડી આચરી હતી. કોઠારિયા રોડ પરની આસોપાલવ સોસાયટીમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી દિનેશભાઇ ઠાકરશીભાઇ કુંજડિયા (ઉ.વ.40)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીજ્ઞેશ બાલકૃષ્ણ શાહ અને દેવલ શાહના નામ આપ્યા હતા.
દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેમના મિત્ર ગભરૂભાઇ સાથે અયોધ્યા ચોકમાં ટાઇમ્સ સ્કવેરમાં આવેલી ઓફિસમાં જીજ્ઞેશ શાહને મળ્યા હતા અને જીજ્ઞેશ શાહે કહ્યું હતું કે, પોતે રાજ રાધે ફાઇનાન્સના લીગલ એડવાઇઝર છે જેની ઓફિસ અમદાવાદ આવેલી છે, લાતીપ્લોટમાં ફાયનાન્સની જમીન છે જેને હરાજીમાં રૂ.2.50 કરોડમાં મુકી છે, તમારે આ જમીન ખરીદવી હોય તો રૂ.2.50 કરોડમાં કરાવી આપીશ અને વકીલ તરીકેની ફી રૂ.25 લાખ થશે.
બીજા દિવસે અમદાવાદ ફાયનાન્સની ઓફિસે જીજ્ઞેશ સાથે ગયા હતા જ્યાં દેવલ શાહ મળ્યા હતા અને તેણે કહ્યું હતું કે, જીજ્ઞેશભાઇ કહે તેમ પેમેન્ટ આપી દેજો, એટલે અમો તમને દસ્તાવેજ કરી આપશું અને જીજ્ઞેશ હરાજીનું ઇ-ફોર્મ આપશે તે ભરી દેજો, ત્યારબાદ તમામ રાજકોટ આવી ગયા હતા અને જીજ્ઞેશ ફોર્મમાં રૂ.2.50 કરોડ લખ્યા હતા અને નીચે જે.બી.શાહનો અંગ્રેજીમાં સિક્કો માર્યો હતો અને તેના વિશ્વાસમાં આવી કટકે કટકે રૂ.2,65,50,118 આપ્યા હતા, રકમ ચૂકવ્યાના એક મહિના બાદ પણ દસ્તાવેજ નહીં થતાં દિનેશભાઇ અમદાવાદ દેવલ શાહને મળવા ગયા હતો તો તેણે પણ રૂ.2.50 કરોડમાં નહીં રૂ.3 કરોડમાં સોદો નક્કી થયો હતો તેવી વાત કરી વિશ્વાસઘાત કર્યો હતો, રાજકોટમાં જીજ્ઞેશે પણ અલગ અલગ બહાના કાઢ્યા બાદ અંતે દસ્તાવેજ કરી આપવામાં કે રકમ પરત આપવામાં હાથ ઊંચા કરી દેતા દિનેશભાઇને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે જીજ્ઞેશ શાહ અને દેવલ શાહ સામે ગુનો નોંધ્યો છે.