એગ્રિકલ્ચર પ્રોડક્ટ પર GST દર 18%થી ઘટાડી 5% કરવા રજૂઆત

સીજીએસટીના ચીફ કમિશનરની અધ્યક્ષતામાં બુધવારે ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીની બેઠક ઓનલાઇન યોજાઇ. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખે ખાદ્ય પદાર્થોના ગ્રાઇન્ડિંગનું કામ કરતી ફ્લોર મિલ પર જીએસટી નિલ કરવા તેમજ ટ્રેક્ટર્સ, રોટોવેટર્સ પર જીએસટી ઘટાડી 5 ટકા કરવા રજૂઆત કરી હતી.

ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જીએસટીને લગતી વેપારીઓ-ઉદ્યોગકારોની વિવિધ સમસ્યાઓ અને સૂચનો ચીફ કમિશનરના ધ્યાને મુક્યા હતા. જેમાં પાણી ખેતી માટે અત્યંત જરૂરી હોવાના કારણે સિંચાઇને લગતા તમામ ઉત્પાદનો તેમજ ટ્રેક્ટર્સ અને રોટોવેટર્સ પર 5 ટકાનો જીએસટી લાગુ કરવા માગ કરી હતી.

ખાદ્ય પદાર્થો જેમ ઇન્ડિયન બ્રેડ પર જીએસટી નિલ છે તેમજ ફ્લોર મિલ કે જે ખાદ્ય પદાર્થોનું ગ્રાઇન્ડિંગનું કામ કરે છે તેના પર જીએસટી નિલ કરવા રજૂઆત કરી હતી.

એગ્રિકલ્ચર પ્રોડક્ટો જેવી કે મોનોસેટ પમ્પસ, એન્જિન મોનોસેટ પમ્પ, સેન્ટ્રિફ્યુગલ પમ્પ, ઓપન વેલ સબમર્સિબલ પમ્પ સેટ, સેન્ટ્રિફ્યુગલ રિજનરેટિવ પમ્પ, સબમર્સિબલ પમ્પ સેટ, મોટર ફોર સબમર્સિબલ પમ્પ સેટ, ફિકસ્ડ સ્પીડ ડીઝલ એન્જિન અને પાઇપ ફિટિંગ પર 18 ટકા જીએસટી દર છે તે ઘટાડીને 5 ટકા કરવા રજૂઆત કરી હતી. જે અંગે ચીફ કમિશનરે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *