શહેરમાં મવડી પ્લોટ પાસેના ગુરુપ્રસાદ ચોક પાસે રહેતા અને જમીનના ધંધાર્થી અશ્વિનભાઇ વિનુભાઇ ઘવા (ઉ.32) એ કટારિયા ચોકડી પાસે કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવમાં યુવકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ઠગાઇની ફરિયાદમાં કોટડાસાંગાણીના પીઆઇએ 20 ટકાની માગ કરી હતી. ત્યારબાદ તેને ચીટર ટોળકીની ધમકીઓ મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ફરિયાદ ન લેતા હોવાનો આક્ષેપ કર્યો છે.
તાલુકા પોલીસની તપાસમાં ઝેરી દવા પી લેનાર અશ્વિનભાઇએ સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, તા.15-8ના રોજ તેને ભંડારિયા સરવે નંબર 6/3/6/6 અને 615ની ખેડની જમીન 22 એકર જગ્યા મૂળ માલિક હિરજીભાઇ લક્ષ્મણભાઇ વનારિયા, ગોરધનભાઇ લક્ષ્મણભાઇ વનારિયા, અશોકભાઇ વનારિયા પાસેથી ખરીદવા માટે તેના ગામ સોળિયા તેમના ઘેર જઇને 50 લાખ રૂપિયા ટોકન પેટે આપ્યા હતા જેની કાચી ચિઠ્ઠી અને મોબાઇલ પ્રૂફ મારી પાસે છે. અને તે જગ્યામાં 50 ટકા ભાગીદાર તરીકે ધાર્મિક ટીલાળા ઉર્ફે ધમો છે.
ત્યાર બાદ તે દસ્તાવેજ કરાવવાને સમય થતા તે ખેડૂત પાસે ગયા હતા ત્યારે તેને જાણવા મળેલ કે આ જમીન બીજી વ્યક્તિ પાસેથી પણ ટોકન લઇ ખેડૂતને પૈસા આપ્યા હતા અને આવી રીતે ચીટિંગ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન ખેડૂત દસ્તાવેજ કરવા માટે તૈયાર ન હોય હાલ આ દસ્તાવેજ કરી દેવામાં નહીં આવતા મારે મરવા મજબૂર થવું પડ્યું તેવો આક્ષેપ કર્યો હતો.