એક તરફી પ્રેમીના ત્રાસથી કંટાળી સગીરાનો આપઘાત

સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરિયાતથી વધુ કરવામાં આવે તો મુસીબત ઉભી કરે છે. આવો જ કિસ્સો માળિયા હાટીના પંથકની 15 વર્ષીય સગીરા સાથે બન્યો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ સગીરા માટે આત્મહત્યાનું કારણ બન્યું છે. માણાવદરનો શખસ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કેળવી બાદમાં તેને મળવા બોલાવી એક તરફી પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતો હોવાથી સગીરાએ કંટાળી એસિડ પી મોત વ્હાલું કરી લીધું હતું.

માળિયા હાટીનાના કાલીભંડાની યશવંતી નયનભાઈ સોલંકી (ઉ.વ.15)ની તરુણીએ બે દિવસ પહેલાં પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લેતા પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયા હાટીના પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર સગીરા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી અને એક ભાઈ બે બહેનમાં બીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. તેણીના પિતા પ્લાસ્ટર કામ કરે છે. સગીરાને ઇન્સ્ટાગ્રામ ઉપર માણાવદરનો કોઈ યુવક ખરાબ ફોટા મોકલી તેની સાથે વાત કરવા માટેનું કહેતો હતો અને તું મને મળવા આવ જો તું નહીં આવે તો હું તારા ઘરે આવીશ કહી ધમકી આપતા એક વખત માણાવદર મળવા પણ ગઈ હતી. ત્યાં પણ યુવકે પોતાની સાથે એક તરફી સંબંધ રાખવા માટે દબાણ કરતા કંટાળી પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે માળિયા હાટીના પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *