રાજકોટમાં મકાન ખરીદવા ઈચ્છતા જસદણ તાલુકાના ભાડલા ગામના યુવાન સાથે ઠગ બેલડીએ છેતરપીંડી કરેલી છે. એક જ મકાન બે લોકોને વેચી નાખી છેતરપીંડી કરાઈ છે. આ અંગે આજીડેમ પોલીસ મથકે ભાડલાના યુવાને ફરિયાદ નોંધાવી છે. હિરેન ડોબરિયાએ ફરિયાદ આપતા આરોપી મોહિત ડોબરિયા અને તેના મામાના દીકરા દીપ ભૂત સામે ગુનો દાખલ થયો છે.મળતી માહિતી મુજબ, હિરેન મનસુખભાઇ ડોબરિયા (ઉ.વ.23, રહે. ભાડલા)એ જણાવ્યા મુજબ, તેને રાજકોટમાં મકાન ખરીદ કરવું હતું. જેથી તેના કૌટુંબિક ભાઇ મોહિતેઅને દીપે કહ્યું હતું કે, રાજકોટના કોઠારિયા સરવેમાં આવેલા શિવરંજની પાર્કમાં તેમનું ભાગીદારીમાં મકાન છે.ખરીદવું હોય તો કહેજે. હિરેન અને તેના પિતા મકાન જોવા ગયા હતા બાદમા મકાનનો સોદો નક્કી કર્યો હતો. મકાન પર રૂ.24 લાખની લોન હતી. જે હિરેનના નામે ટ્રાન્સફર કરવાની હતી અને રૂ.8.50 લાખ હિરેને ચૂકવવાના હતા. આરોપીઓએ રજિસ્ટ્રાર કચેરીએ મકાનના સાટાખત કરી આપ્યા હતા અને તેના બદલામાં હિરેને રૂ.8.50 લાખ ચૂકવી દીધા હતા. લોન હિરેનના નામે થઈ ગયા બાદ તેણે મકાનના દસ્તાવેજ કરી આપવાનું કહેતા બંને શખ્સ કોઇને કોઇ બહાના આપતા હતા અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.શંકા જતાં હિરેને તપાસ કરી તો મોહિત અને દીપે તે મકાન નિલેશ રૈયાણી અને ભરત વોરાને પણ વેચ્યું હતું અને તે બંને પાસેથી રૂ.15 લાખ લઇ તેમને નોટરીનું લખાણ કરી આપ્યું હતું. આમ એક જ મકાનના વેચાણ નામે ત્રણ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.