સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે સવારે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને લગતા જુદા જુદા મુદ્દાની કુલપતિને લેખિત રજૂઆત કરી હતી. મુખ્યત્વે 2010 પછીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં તક આપવા, એક્સટર્નલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા સહિતના જુદા જુદા મુદ્દે રજૂઆત કરી હતી. સાથે સાથે હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે ત્યારે ખેલ મહાકુંભ અને પરીક્ષાની તારીખ ભેગી ન થાય તે માટે પરીક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કરવા પણ માગણી કરી હતી.
એનએસયુઆઈએ કુલપતિને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મુખ્યત્વે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ત્રણ મુદ્દાઓની રજૂઆત છે જેમાં 2010 પછીના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાની તક એટલે કે જે વિદ્યાર્થીઓ 2010 પછી એક વિષયમાં ફેલ અથવા તો એનાથી વધારે વિષયમાં ફેલ થયા હોવાને લીધે અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાનો એક મોકો આપવામાં આવે. ખેલ મહાકુંભ અને પરીક્ષાની તારીખ ટકરાવાની સમસ્યા મુદ્દે કહ્યું છે કે, હાલ ચાલતા રમતોત્સવ અને પરીક્ષાઓના ટકરાવને કારણે પરીક્ષાની તારીખ થોડી પાછળ ખસેડવાની માંગ છે. એક્સટર્નલ વિભાગની એડમિશન પ્રક્રિયા તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે. જો આવનારા દિવસોમાં આ તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.