એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટરના પીએનું મોત નીપજ્યું

શહેરના રૈયા રોડ પર નેહરુનગરમાં રહેતો યુવાન બાઇક હંકારીને જામનગર રોડ એઇમ્સ હોસ્પિટલથી ઘર તરફ જતો હતો ત્યારે હોસ્પિટલના કેમ્પસમાં જ શ્વાન આડે ઉતરતાં બાઇક સ્લિપ થઇ જતાં ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર એઈમ્સ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક એઈમ્સ હોસ્પિટલના ડેપ્યુ. ડાયરેક્ટરનો પીએ હતો. યુવાનના મૃત્યુથી પરિવાર તથા હોસ્પિટલના કર્મચારીઓમાં શોક છવાયો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ નેહરુનગર-3માં રહેતો અજમતઉલ્લાખાન એઝાઝહુશેન શેખ(ઉ.વ.27)એ ગત 28મીએ એઇમ્સ હોસ્પિટલની કેન્ટીન ખાતેથી બાઇક હંકારી રાજકોટ ઘરે આવવા નીકળ્યો ત્યારે એઇમ્સના કેમ્પસમાં જ પ્રિમાઈસીસ પાસે શ્વાન આડે આવતાં બાઇક સ્લિપ થઈ જતાં ગંભીર ઇજા થતાં એઈમ્સમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં જ તેનું મોત થયું હતું.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. મિહિરસિંહ બારડે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર અજમતઉલ્લાખાન એઇમ્સ હોસ્પિટલમાં ડેપ્યુ. ડાયરેક્ટરનો પર્સનલ આસિસ્ટન્ટ(પી.એ.) તરીકે નોકરી કરતો હતો અને તે મૂળ રાજસ્થાનના ટોકનો વતની હતો. અહીં નેહરુનગરમાં ભાડેથી મકાન રાખી એકલો રહેતો હતો.

ગત 28મીએ હોસ્પિટલેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે હોસ્પિટલના કેમ્પસમાં જ આ બનાવ બન્યો હતો. યુવાન પુત્રના મૃત્યુથી પરિવારમાં તેમજ સાથી કર્મચારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો. મૃતકની અંતિમ વિદાયમાં એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *