રાજકોટમાં બેડી ચોકડી નજીક રેલનગર વિસ્તારમાં શનિવારે યોજાયેલા સમૂહલગ્ન આયોજકના કાવતરાથી અટકી પડ્યા હતા અને 28 જાન લીલા તોરણે પાછી ફરે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. શહેર પોલીસે સોશિયલ પોલિસીંગનું શ્રેષ્ઠ ઉદાહણ આપીને લગ્ન કરાવી વરકન્યા માટે માવતરની ભૂમિકા ભજવી હતી. આ મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લીધા છે. સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા છેતરપિંડીનો મુખ્ય કાવતરાખોર હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફરાર ચંદ્રેશને ઝડપી લેવા વિવિધ દિશામાં ટીમો દોડાવી છે.
ઋષિવંશી સમાજ સેવા સંઘ-રાજકોટ દ્વારા તા.22ને શનિવારે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે ચાર વાગ્યાથી કન્યાપક્ષના લોકો આવવા લાગ્યા હતા અને પાંચ વાગ્યાથી વરરાજા પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. 28 યુગલ લગ્નગ્રંથિથી જોડાવાના હતા અને ચોતરફ ખુશીનો માહોલ હતો, પરંતુ સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા દેખાયો નહોતો અને આયોજન ભાંગી પડ્યું હતું. ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે વ્યવસ્થા સંભાળી લગ્નવિધિ સંપન્ન કરાવી હતી.
આ મામલામાં શાપર-વેરાવળની શાંતિધામ સોસાયટીમાં રહેતા કાનજીભાઇ ટાટમિયા (ઉ.વ.54)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે સમૂહલગ્નના આયોજકો ચંદ્રેશ જગદીશ છત્રોલા, દિલીપ પ્રવીણ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શીશાંગિયા, મનીષ વિઠ્ઠલાપરા અને દિલીપ વરસડા સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે શનિવારે રાત્રે જ દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવીણ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડાની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય આરોપીને રવિવારે રજૂ કરતા કોર્ટે ચારેયના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.