સિતારવાદક અનુષ્કા શંકરે તાજેતરમાં સંગીતકાર ઋષભ રખીરામ શર્માના એ દાવાને નકારી કાઢ્યો, જેમાં તે પોતાને તેના પિતા પંડિત રવિશંકરના છેલ્લા અને સૌથી યુવા શિષ્ય ગણાવતો રહ્યો છે.
‘મારા પિતા ઋષભના ગુરુ નથી’
‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ સાથે વાત કરતા અનુષ્કાએ કહ્યું, ‘ઋષભ ખૂબ જ પ્રતિભાશાળી છે અને તે લોકો સાથે ખૂબ જ સુંદર રીતે જોડાય છે, પરંતુ તેમના ‘ગુરુ’ હોવા અંગે કેટલીક ગેરસમજો છે. તેમણે મારા ખૂબ જ નજીકના અને મારા પિતાના વરિષ્ઠ શિષ્ય પરિમલ સદાફલ પાસેથી ઊંડાણપૂર્વક તાલીમ લીધી છે.’
તેમણે આગળ કહ્યું કે, ‘મારા પિતા સાથે તેમની કેટલીક અનૌપચારિક અને પ્રેમભરી મુલાકાતો અને ક્લાસ થયા હતા, જેમાં પરિમલ પણ હાજર હતા. અમે તેમને બાળપણથી ઓળખીએ છીએ, કારણ કે તેઓ અમારા વાદ્ય-નિર્માતા સંજય રુખીરામ શર્માના પુત્ર છે.’
અનુષ્કા શંકરે એમ પણ કહ્યું કે, ‘કદાચ આ જ કારણથી આ વાત ફેલાઈ ગઈ કે તેઓ મારા પિતાના છેલ્લા કે સૌથી યુવા શિષ્ય હતા, જે સંપૂર્ણપણે સાચું નથી, પરંતુ તેઓ ખૂબ જ ટેલેન્ટેડ છે અને આ વાર્તા સાથે કે વગર પણ પોતાની સફળતાના હકદાર છે.’
નોંધનીય છે કે, અનુષ્કાએ 13 વર્ષની ઉંમરે જ પોતાના પિતા, સિતાર વાદક પંડિત રવિ શંકરના માર્ગદર્શન હેઠળ પ્રોફેશનલ પરફોર્મન્સ શરૂ કરી દીધા હતા. તેમને 14 વખત ગ્રેમી પુરસ્કાર માટે નોમિનેશન મળી ચૂક્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેઓ હાલમાં ભારતમાં ‘ચૅપ્ટર્સ ટૂર 2026’ પર છે.