ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે!

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ગુજરાતીઓ ભારે ઉત્સાહથી ઊજવતા હોય છે. મોટેભાગે મકરસંક્રાંતિના દિવસે તમામ લોકો લીલી શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડો આરોગતા હોય છે. દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઊંધિયું ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં વસતા ગુજરાતીઓ 1.40 લાખ કિલોથી પણ વધુ ઉંધિયું ઝાપટી જશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ વર્ષે ઊંધિયાના ભાવમાં પણ રૂપિયા 50થી 100નો વધારો જોવા મળી રહ્યો છે. જલેબીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 25થી 30 હજાર કિલો જલેબી વેચાવાનો અંદાજ છે, જેનો ભાવ કિલોએ 800 રૂપિયા સુધી પહોંચ્યો છે.

અમદાવાદમાં આ વર્ષે 450થી લઈને 650 રૂપિયા કિલો સુધીનું ઊંધિયાની અમદાવાદીઓ લિજ્જત માણશે. આ ઉપરાંત અમદાવાદીઓ આ વર્ષે અંદાજિત 35થી 40 હજાર કિલો ઊંધિયું ઝાપટી જશે. ઊંધિયાની સાથે સાથે જલેબીનું વેચાણ પણ એટલા પ્રમાણમાં જ થતું હોય છે. ત્યારે અમદાવાદીઓ આ વર્ષે 25થી 30 હજાર કિલો જલેબી ઝાપટી જાય એવો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે.

અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણના વ્યાપારી કૃણાલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે કાચા માલસામાનના ભાવ અને શાકભાજીના ભાવ પણ ગત વર્ષની સરખામણીએ વધુ હોવાથી ઊંધિયાના ભાવમાં 40 રૂપિયા જેટલો વધારો થયો છે. ગત વર્ષે 480 કિલો ભાવ હતો, ત્યારે આ વર્ષે દાસ ખમણમાંથી ઊંધિયું લેવા માટે 520 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત જલેબીનો પણ 800 રૂપિયા કિલોનો ભાવ છે. કાચા માલસામાનની સાથે સાથે શાકભાજી સહિતની વસ્તુઓ સુધારવા માટે જે કારીગરની જરૂર પડે છે તેમના દૈનિક વેતનમાં પણ વધારો થતાં એનો ભાર ગ્રાહકોને ભોગવવો પડશે. મોટા ભાગનાં સ્થળ પર ઊંધિયાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 30થી 40 રૂપિયાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *